કોરોના-રસીથી બાળકીનું મૃત્યુ? દાવાને મુંબઈ મહાપાલિકાનો રદિયો

મુંબઈઃ જનતા છેલ્લા બે વર્ષથી કોરોનાવાઈરસ મહામારી સામે લડે છે. ચેપી બીમારી સામેના જંગમાં રસી સૌથી અસરકારક શસ્ત્ર મનાય છે. પરંતુ મૂળ કચ્છના, હાલ મુંબઈના ઘાટકોપર ઉપનગરની એક સગીર વયની છોકરીનું રસી લીધાં બાદ મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો કરનાર એક ડોક્ટર છે, ડો. તરુણ કોઠારી. એમણે તે છોકરી – આર્યા રૂપેશ ભાનુસાળીની તસવીર પણ સોશિયલ મિડિયા પર મૂકી છે જે વાઈરલ થઈ છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ આ દાવાને ખોટો ગણાવ્યો છે. ડો. તરુણ કોઠારીના ટ્વિટર બાયોમાં વાંચી શકાય છે કે તે નવી દિલ્હીના નિવાસી છે અને એમબીબીએસ, એમડી છે. એમણે ‘કોરોના રોગચાળો એક ષડયંત્રઃ માનવજાતના ઈતિહાસનું સૌથી મોટું ષડયંત્ર’ નામે એક પુસ્તક પણ લખ્યુ છે.

મહાપાલિકાએ સ્પષ્ટતા કરીને કહ્યું છે કે 15 વર્ષીય આર્યાનું મૃત્યુ હૃદય બંધ પડી જવાને કારણે થયું હતું. શહેરનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે મહાપાલિકાએ તે છોકરીનાં કુટુંબીજનો સાથે વાત કરી છે. એવું જાણવા મળ્યું છે કે છોકરીનું મૃત્યુ હૃદયવિકારને કારણે થયું હતું. તે એટેક રસીને કારણે આવ્યો હતો કે નહીં તેની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ મળે, પરંતુ છોકરીનો પરિવાર એ માટે તૈયાર નથી.

અહેવાલ અનુસાર, આર્યા ભાનુસાળીએ ગઈ 8 જાન્યુઆરીએ ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં રસી લીધી હતી અને 12મીએ તેનું મૃત્યુ થયું હતું. તે પછી તેનો ફોટો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે અને એવો દાવો કરાયો છે કે તેનું મૃત્યુ રસી લેવાથી થયું હતું. છોકરીનાં પરિવારજનોનું કહેવું છે કે આર્યાનું મૃત્યુ હાર્ટ એટેકને લીધે કુદરતી હતું. આર્યાનું મૃત્યુ રસી લેવાથી થયાના ડો. કોઠારીના દાવાને મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ટ્વીટ કરીને દાવાને રદિયો આપ્યો છે તેમજ આ અફવા ફેલાવનાર તમામ લોકો સામે કાયદેસર પગલાં લેવાની શરૂઆત પણ કરી દીધી છે.