પરેડમાંથી બંગાળની ઝાંખી રદ: બેનરજી ભડક્યાં

કોલકાતાઃ આ વર્ષે 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રાજપથ પર યોજાનાર વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડમાં બંગાળ રાજ્યના ટેબ્લોને સામેલ કરવામાં આવ્યો નથી. આને કારણે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ખૂબ નારાજ થયાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે.

પત્રમાં બેનરજીએ પરેડમાં બંગાળનાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખીને સામેલ કરવાનો મોદીને અનુરોધ કર્યો છે. એમણે લખ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ માટેની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને સ્વીકૃતિ આપવાના કરેલા ઈનકારથી મને આઘાત લાગ્યો છે અને દુઃખ પણ થયું છે, કારણ કે ઝાંખીના અસ્વીકાર માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ વખતની ઝાંખીના થીમને દેશની આઝાદી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાન તથા એમની 125મી જન્મજયંતિને લક્ષમાં રાખવામાં આવ્યા છે.