કોરોના રસીકરણ-ઝુંબેશને 1-વર્ષ પૂરું: ટપાલટિકિટ ઈસ્યૂ કરાઈ

નવી દિલ્હીઃ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના-પ્રતિરોધક રસીનું નિર્માણ કરવામાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિને બિરદાવવા તથા દેશે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલી કોરોના-રસીકરણ ઝુંબેશને આજે એક વર્ષ સમાપ્ત થયું તેના શુભ અવસરે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ આજે એક સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. કેન્દ્ર સરકારે ગયા વર્ષની 16 જાન્યુઆરીથી દેશવ્યાપી કોરોના-રસીકરણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 1,68,19,744 સત્ર અંતર્ગત 156 કરોડ 76 લાખથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ડો. માંડવિયાએ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું અને ભારતની રસીકરણ ઝુંબેશને દુનિયાની સૌથી મોટી સફળ ઝુંબેશ તરીકે ઓળખાવી છે. ટ્વીટમાં એમણે લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત બાયોટેક કંપનીએ સાથે મળીને જે સ્વદેશી રસી કોવેક્સીન બનાવી છે તે તેને બિરદાવવા આ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. હું આ અવસરે તમામ વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન આપું છું.