દેશમાં 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે ઊજવાશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટ-અપની સંસ્કૃતિ દેશમાં દૂર-દૂર સુધી પહોંચે છે. આ માટે 16 જાન્યુઆરીને ‘National Start-up Day’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનાં છ વર્ષ પૂર્ણ થવા પર વાતચીતમાં દેશમાં ઊભરતા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. 

તેમણે કહ્યું હતું કે દેશના એ તમામ સ્ટાર્ટઅપ્સને, તમામ ઉદ્યોગ સાહસિકોને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ દશકાને ભારતનો દાયકો કહેવામાં આવી રહ્યો છે. આ દશકામાં ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર મોટા પાયે ફેરફાર કરી રહી છે. તેમણે ઉદ્યમશીલતા, ઇનોવેશનને સરકારી પ્રક્રિયાઓની જાળમાંથી મુક્ત કરાવવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈનોવેશનને પ્રમોટ કરવા માટે સંસ્થાકીય પદ્ધતિનું નિર્માણ કરવું પડશે.

અમારો પ્રયત્ન દેશમાં બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે આકર્ષણ ઊભું કરવા ઇનોવેશનને ઇન્સ્ટિટ્યુશનલાઈઝ કરવાનો છે. હાલ 9000 કરતાં વધારે અટલ ટિંકરિંગ લેબ્સ આજે બાળકોને શાળાઓમાં ઇનોવેશન કરવા, નવા આઇડિયા પર કામ કરવાની તક આપી રહી છે. નવા ડ્રોન નિયમથી લઈને સ્પેસ પોલિસી સુધી સરકારની પ્રાથમિકતા મહત્તમ યુવાનોને ઇનોવેશનની તક આપવાની છે. સરકારે આ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવી દીધી છે, એમ તેમણે કહ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ ભારતના રેન્કિંગમાં મોટો સુધારો આવ્યો છે. 2015માં આ રેન્કિંગમાં ભારત 81મા નંબરે હતું અને હવે એ 46મા નંબરે છે.