કોવિડ રસીઃ મેયર કિશોરીતાઈની સલમાન ખાનને વિનંતી

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે કહ્યું છે કે મુંબઈના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં મહાનગરપાલિકા તંત્રને સલમાન ખાન જેવી ફિલ્મી હસ્તીઓ મદદરૂપ થઈ શકે છે.

પેડણેકરે એક મુલાકાતમાં કહ્યું કે, ‘જ્યારે રસીકરણની વાત આવે છે ત્યારે મુસ્લિમોમાં ધાર્મિક આશંકા ઊભી થતી હોય છે. એને કારણે રસીકરણ પ્રક્રિયામાં સહેજ વિલંબ થાય છે. મને આશા છે કે બધાં મુસ્લિમો કોરોના-વિરોધી રસી લેશે જ અને સલમાન ખાન જેવા કલાકારો એમને પ્રોત્સાહિત કરી શકે છે.’ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પણ કહી ચૂક્યા છે કે વધુ લોકો રસી લે એ માટે અમે ધાર્મિક વડાઓ, હસ્તીઓની મદદ લઈ રહ્યા છીએ.  હું આ વિશે અભિનેતા સલમાન ખાન સાથે પણ વાત કરવાનો છું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી મળેલી જાણકારી મુજબ, મહારાષ્ટ્રમાં 10,41,16,963 લોકોને કોરોના-રસી આપવામાં આવી છે. આમાંના 6,98,15,228 લોકો રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.