માનહાનિનો-કેસ રદ કરોઃ રાહુલ ગાંધીની મુંબઈ-HCમાં અરજી

મુંબઈઃ અત્રે ગિરગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાની સામે નોંધવામાં આવેલા માનહાનિના કેસમાં કાનૂની કાર્યવાહી રદ કરવામાં આવે એવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. જ્યાં સુધી હાઈકોર્ટ આ અરજી પર સુનાવણી ન કરે ત્યાં સુધી મેજિસ્ટ્રેટ કોર્ટમાં કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે એવી પણ રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં વિનંતી કરી છે. હાઈકોર્ટ 22 ડિસેમ્બરે સુનાવણી કરશે.

આ કેસ રાહુલે 2018માં રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ‘કમાન્ડર-ઈન-થીફ’ કમેન્ટને લગતો છે. રાહુલે આવી જ કમેન્ટ બાદમાં 2018ની 24 સપ્ટેમ્બરે એક ટ્વીટમાં પણ કરી હતી. મુંબઈમાં મેજિસ્ટ્રેટની કોર્ટમાં રાહુલ સામે ભારતીય જનતા પાર્ટીના મહેશ શ્રીશ્રીમલ નામના એક કાર્યકર્તાએ કર્યો છે. એ ગિરગાંવ વિસ્તારનો રહેવાસી છે. શ્રીશ્રીમલનો દાવો છે કે વડા પ્રધાનને ‘કમાન્ડર-ઈન-થીફ’ કહીને રાહુલ ગાંધીએ ભાજપના તમામ સભ્યો તથા ભારતના નાગરિકો પર ચોરીનો આરોપ મૂક્યો છે.

રાહુલ વતી એડવોકેટ કુશલ મોરએ હાઈકોર્ટમાં નોંધાવેલી અરજીમાં કહ્યું છે કે માત્ર એમને હેરાન કરવા માટે અને એમની જાહેર પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે જ એમની સામે મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરાયો છે. ક્રિમિનલ કેસો માટેની અદાલતોના દુરુપયોગનો આ સ્પષ્ટ કેસ છે. શ્રીશ્રીમાલે કોર્ટને જે અખબારી અહેવાલો સુપરત કર્યા છે એમાં રાહુલ ગાંધીના અવતરણવાળો એકેય અહેવાલ નથી. તે છતાં મેજિસ્ટ્રેટે કાનૂની પ્રક્રિયા શરૂ કરાવી હતી.