મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન ટોપે દિલ્હીમાં માંડવીયાને મળ્યા

નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આજે રાષ્ટ્રીય પાટનગરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવીયાને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે સમયનું અંતર ઘટાડવામાં આવે.

બંને આરોગ્યપ્રધાને કોવિડ રસીકરણ ઝુંબેશની ગતિ વધારવા વિશે ચર્ચા કરી હતી. તે દ્રષ્ટિએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં નિર્મિત કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર હાલના 84 દિવસથી ઘટાડીને 28 દિવસનું કરવું જોઈએ એવી ટોપેએ વિનંતી કરી હતી. ટોપેએ માંડવીયાને બીજી એ પણ વિનંતી કરી હતી કે 18 વર્ષથી નીચેની વયનાં બાળકો માટેની કોરોના-વિરોધી રસી દેશમાં શક્ય એટલી વહેલી તકે બહાર પાડવામાં આવે.