26 નક્સલવાદીઓનો ખાતમો કરનાર જવાનોનું સમ્માન કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના કોરચી જંગલવિસ્તારમાં ગયા શનિવારે પરોઢિયે થયેલા એન્કાઉન્ટરમાં 26 ખૂંખાર માઓવાદી નક્સલવાદીઓને ઠાર કરનાર મહારાષ્ટ્ર પોલીસના C-60 દળના કમાન્ડો જવાનો, તથા એમને મદદે ગયેલા પોલીસ જવાનોનું રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે ગઈ કાલે ગડચિરોલી શહેર જઈને સમ્માન કર્યું હતું. તે એન્કાઉન્ટરમાં બહાદુર જવાનોએ સીપીઆઈ-માઓઈસ્ટ સેન્ટ્રલ કમિટીના સભ્ય મિલિંદ તેલતુંબડે અને છ મહિલા નક્સલવાદી સહિત 26 નક્સલીઓને ઠાર કર્યા હતા.

57 વર્ષનો મિલિંદ તેલતુંબડે માનવ અધિકાર ચળવળકાર અને વિદ્વાન આનંદ તેલતુંબડેનો ભાઈ છે. આનંદ હાલ નવી મુંબઈની જેલમાં છે. મિલિંદ ઉપરાંત ઠાર મરાયેલા અન્ય ટોચના નક્સલવાદીઓ હતાઃ કિશન ઉર્ફે જયમન, સન્નુ ઉર્ફે કોવાચી, લોકેશ ઉર્ફે મંગુ. તે એન્કાઉન્ટર શનિવારે લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું. આખરે બપોરે એનો અંત આવ્યો હતો. તે એન્કાઉન્ટરમાં C-60 દળના 16 કમાન્ડો જોડાયા હતા. એમની મદદમાં 500થી વધારે જવાનો પણ જોડાયા હતા. તે જંગલવિસ્તાર મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદ પર આવેલો છે. ખૂંખાર નક્સલવાદીઓ આ જંગલવિસ્તારમાં ઘૂસ્યા હોવાની પાકી બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]