અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 70 માઈગ્રન્ટ કામદારો, મજૂરોને આશરો અપાયો

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં આવેલું તેના દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ અને રીક્રિએશનલ કોમ્પલેક્સ – ‘શહાજી રાજે અંધેરી ક્રિડાસંકુલ’ને કોરોના વાઈરસને કારણે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા 70 જેટલા માઈગ્રન્ટ તથા દૈનિક પગાર પર નભતા મજૂરો-કામદારો માટે આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે.

આમાંના મોટા ભાગના મજૂરો-કામદારો શહેરમાં બાંધકામના સ્થળોએ કામ કરતા દૈનિક પગારદાર લોકો છે.

સમગ્ર દેશમાં હાલ 21-દિવસનું લોકડાઉન લાગુ છે અને મુંબઈમાં પણ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ હાલ ઠપ છે. આ મજૂરો-કામદારો એમને માટે કોઈ કામ ન રહેતા અને રહેવા માટે છત ન રહેતાં પોતાના વતન ભણી રવાના થયા હતા, પરંતુ બીએમસી તથા પોલીસના સત્તાવાળાઓ આ મજૂરોને મુંબઈ છોડીને ન જવા સમજાવ્યા હતા અને એમને અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આઝાદ નગર મેટ્રો સ્ટેશનની નીચે આવેલું છે.

આશરે 70 જેટલા બેઘર માઈગ્રન્ટ મજૂરોને ‘બેસ્ટ’ની બે બસમાં અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 24 માર્ચની રાતે રાષ્ટ્રજોગા સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશમાં એ જ મધરાતથી 21-દિવસનું લોકડાઉન લાગુ થશે અને લોકોએ પોતપોતાના ઘરમાં જ રહેવું, બહાર નીકળવું નહીં. જે લોકો જે શહેરમાં હોય ત્યાં જ રહે.

પરંતુ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયેલા માઈગ્રન્ટ મજૂરો ભૂખમરાથી બચવા માટે પોતાને વતન જવા રવાના થયા હતા. કોરોના વાઈરસ ફેલાય નહીં તે માટે માઈગ્રન્ટ મજૂરોને જે તે શહેર કે નગરમાં રોકી દેવા અને એમને કામચલાઉ આશરો આપવો અને એમના જમવાની વ્યવસ્થા પણ કરવી એવો કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે.

તેથી 70 મજૂરોને અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આશરો આપવામાં આવ્યો છે. એમને કોમ્પલેક્સના એક મકાનના હોલમાં રાખવામાં આવ્યા છે. આ જ મકાનમાં એનડીઆરએફના 80 જવાનોને પણ રાખવામાં આવ્યો છે. શહેરમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ સર્જાય તો ત્યાં પહોંચી શકાય એટલા માટે એનડીઆરએફના જવાનોને આ સંકુલમાં ઉતારો આપવામાં આવ્યો છે.

આ મજૂરોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમથી અજાણ હતા અને તેઓ મુક્તિ ઈચ્છતા હતા, પણ બીએમસીના કર્મચારીઓએ એમને થોડાક દિવસ સુધી સંકુલમાં જ રહેવા સમજાવ્યા હતા કે અહીંયા એમને પીવાનું પાણી, ચા-કોફી અને ખાવાનું મફતમાં મળશે.