કોરોનાથી બચવા અજમાવો આયુષ મંત્રાલયની આ ટીપ્સ

નવી દિલ્હી: કોરોના વાઈરસથી વિશ્વભરમાં અત્યારે 38  હજારથી વધારે લોકોએ જીવ લીધો છે પણ હજુ સુધી આ વાઈરસની દવા કે વેક્સીન શોધાણી નથી. આ સ્થિતિમાં આયુષ મંત્રાલયે (Ayush Ministry) કોરોના વાઈરસથી બચવા કેટલીક સલાહ આપી છે.

આયુષ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. મંત્રાલય તરફથી મંગળવારે એ જણાવવામાં આવ્યું છે કે કઈ પ્રકારની સાવચેતી અને ઉપાય કરીને તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો, જે કોરોનાથી બચાવવામાં તમને મદદરૂપ સાબિત થશે. આમાં ખાનપાનમાં હળદરવાળા દૂધ, ગરમ પાણી પર જોર આપવામાં આવ્યું છે તેમજ યોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

કોરોના સામે આજે સમગ્ર દુનિયાભરના લોકો પ્રભાવિત છે. આનો કોઈ ઈલાજ હજુ સુધી નથી. માટે સાવચેતી જ આને અટકાવી શકે છે. આવા સમયમાં એવા ઉપાય કરવા જરૂરી છે જે આપણી ઈમ્યુનિટી પાવર વધારે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પત્ર-પત્રિકાઓના આધારે આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે.

 • ગરમ પાણી પીવો
 • રોજ કમસે કમ 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો.
 • ભોજનમાં હળદર, જીરુ, કોથમીર અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો.
 • 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર – દિવસમાં એક કે બે વાર પીવાની સલાહ આપવામાં આવી છે.
 • રોજ સવારે 1 ચમચી એટલે કે 10 ગ્રામ ચ્યવનપ્રાશ લો.
 • ડાયાબિટીઝના રોગીઓએ શુગર-ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ.
 • તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલો ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવો. આમાં સ્વાદ અનુસાર ગોળ કે તાજા લીંબુનો રસ ભેળવો.
 • સવાર અને સાંજે નાકમાં તલનુ તેલ કે નાળિયેરનુ તેલ અથવા ઘી લગાવો.
 • ઓઈલ પુલિંગ થેરેપી માટે 1 ચમતી તલ કે નાળિયેરનુ તેલ મોઢામાં લો. તેને પીવો નહિ પરંતુ 2 થી 3 મિનિટ સુધી મોઢામાં ફેરવો અને પછી થૂંકી દો. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી લો. આવુ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.
 • સૂકી ખાંસી અને ગળામાં ખારાશ હોય તો તાજા ફૂદીનાના પત્તા કે અજમા સાથે દિવસમાં એક વાર વરાળ લઈ શકાય છે.
 • ખાંસી કે ગળામાં બળતરા થવા પર લવિંગના પાવડરને ગોળ કે મધ સાથે મિલાવીને દિવસમાં 2થી 3 વાર લઈ શકાય છે.

આ ઉપાય સામાન્ય રીતે સામાન્ય સૂકી ખાંસી અને ગળામાં ખારાશાનો ઈલાજ કરે છે. પરંતુ લક્ષણમાં જો ફેરફાર ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી સૌથી સારુ રહેશે. આયુષ મંત્રાલય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ પ્રયોગથી માત્ર કોરોના સામે રક્ષણ મળી શકે છે આ તેનો ઈલાજ નથી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]