મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા નશીલી દવાઓના સેવન-ગેરકાયદેસર ધંધાના વેચાણના કૌભાંડ કેસમાં તપાસ કરતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અધિકારીઓએ એક મોટું પગલું ભરીને અભિનેતા અર્જુન રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડમિટ્રીએડ્સનાં ભાઈ ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સની ધરપકડ કરી છે.
ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, પણ મોટે ભાગે ભારતમાં જ રહેતો હોય છે. સુશાંતના કેસમાં પકડાયેલા ડ્રગ્સના દાણચોરોના સંપર્કમાં ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ હતો એવું જાણવા મળ્યા બાદ એનસીબીના અધિકારીઓએ એની ધરપકડ કરી છે.
અધિકારીઓએ આજે તેને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો અને ન્યાયાધીશે એને વધુ તપાસ તથા પૂછપરછ માટે એનસીબીની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.
ગેબ્રિયેલા અર્જુન રામપાલની લિવ-ઈન પાર્ટનર છે. હવે આ બંને જણની પણ એનસીબી અધિકારીઓ પૂછપરછ કરે એવી ધારા રખાય છે.
ઉલ્લેખનીય છે કે આ કેસના સંબંધમાં એનસીબી એજન્સીએ અગાઉ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, અંગત સહાયક દિપેશ સાવંત તથા બીજા અનેક જણની પણ ધરપકડ કરી હતી.
રિયાને મુંબઈ હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ એનસીબીએ તેને 28 દિવસ પછી જેલમાંથી મુક્ત કરી હતી.
એનસીબીના અધિકારીઓ બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી યુવા અભિનેત્રીઓની પણ ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરી ચૂકી છે.
એનસીબી એજન્સીએ નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ ક્ષિતિજ રવિપ્રસાદની પણ ધરપકડ કરી છે.
સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ડ્રગ્સના ઉલ્લેખવાળી અનેક વોટ્સએપ ચેટ્સ ધ્યાનમાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કેન્દ્રીય એજન્સીએ કરેલી વિનંતીને પગલે એનસીબી એજન્સીએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
