મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ગયા અઠવાડિયે લખેલા પત્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના ‘ચાણક્ય’ અમિત શાહે નારાજગી વ્યક્ત કરી છે.
આ પત્ર વિશે પૂછતાં એમણે કહ્યું કે, ‘મેં એ પત્ર વાંચ્યો છે. રાજ્યપાલે પત્ર લખતી વખતે અમુક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈતું હતું.’
અમિત શાહના આ નિવેદનને પગલે કેન્દ્ર સરકાર રાજ્યપાલ કોશિયારી સામે શું પગલાં લે છે એ જોવાનું રહ્યું, કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તે રાજ્યપાલ કોશિયારીને એમના પદ પરથી હટાવી લે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મંદિરો ફરી ખોલવાની પરવાનગી ન આપતાં રાજ્યપાલ કોશિયારીએ એના વિરોધમાં ઠાકરેને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં એમણે ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વનો હવાલો આપીને મંદિર ફરી ખુલ્લા મૂકવાની વિનંતી કરી હતી.
કોશિયારીએ પત્રમાં ઠાકરેને એવી ટિપ્પણી પણ કરી છે કે, ‘તમે તો હવે ‘સેક્યૂલર’ બની ગયા છો.’
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના તે પત્રનો અત્યંત સંયમશીલ પરંતુ કડક ભાષામાં જવાબ આપ્યો હતો.