મહિલાઓને મુંબઈની લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી મળી

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે લોકલ ટ્રેનોમાં મહિલાઓ 17 ઓક્ટોબરથી પ્રવાસ કરી શકશે. કોરોના વાઈરસ મહાબીમારીનો ચેપ ફેલાતાં લોકડાઉન લાગુ કરાયાને પગલે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય જનોને પ્રવાસ કરવાની ગઈ 22 માર્ચથી મનાઈ ફરમાવવામાં આવી છે.

કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે અનલોક પ્રક્રિયા અંતર્ગત અનેક સેવાઓને તબક્કાવાર ખુલ્લી કરવાનું શરૂ કર્યું છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં અત્યાર સુધી માત્ર રાજ્ય અને કેન્દ્રના સરકારી કર્મચારીઓને તેમજ રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કો જેવા આવશ્યક ક્ષેત્રમાં કામ કરતા લોકોને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાય છે.

16 ઓક્ટોબર, 2020ની તારીખ ધરાવતા નોટિફિકેશનમાં મહારાષ્ટ્ર સરકારે રેલવે વહીવટીતંત્રને લેખિતમાં જણાવ્યું છે કે શનિવાર, 17 ઓક્ટોબરથી મહિલાઓને દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને પછી સાંજે 7 વાગ્યાથી રાતે ટ્રેન બંધ થાય ત્યાં સુધી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની પરવાનગી આપવી.

આ નોટિફિકેશન પર સેક્રેટરી (ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રીલિફ એન્ડ રીહેબિલીટેશન) કિશોર રાજે નિમ્બાલકરની સહી છે. એમાં જણાવાયું છે કે, વિનંતી છે કે મુંબઈ અને MMR વિસ્તારમાં 17 ઓક્ટોબર, 2020થી અમલમાં આવે એ રીતે, મહિલાઓને સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને ફછી સાંજે 7 વાગ્યાથી રાતે ટ્રેન બંધ થાય ત્યાં સુધી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે.

આ ઓર્ડર અનુસાર, મહિલા પ્રવાસીઓને ઉપર જણાવેલા સમય દરમિયાન લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે QR કોડ્સ મેળવવાની આવશ્યક્તા નહીં રહે.

ઓર્ડરમાં વધુમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન કાયદેસર ટિકિટ/પાસ ધરાવતી તમામ મહિલાઓને તેમજ તમામ ઈમરજન્સી સ્ટાફને પ્રવેશ આપવો. આ જ સમયગાળા દરમિયાન પ્રવાસ કરતી મહિલાઓ માટે QR કોડ્સની આવશ્યક્તા નહીં રહે.

ગયા બુધવારે મહારાષ્ટ્ર સરકારે મિશન બીગિન અગેન યોજના અંતર્ગત મેટ્રો તથા મોનોરેલ ટ્રેન સેવાઓને સામાન્ય માનવીઓ માટે ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. મેટ્રો વહીવટીતંત્રએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે 19 ઓક્ટોબરે સવારે 8.30 વાગ્યાથી તેની સેવા ફરી શરૂ કરશે. મોનોરેલ સેવા 18 ઓક્ટોબરથી ફરી શરૂ થવાની છે.