મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય, બંને રેલવેના વહીવટીતંત્રએ લોકલ એરકન્ડિશન્ડ ટ્રેન સેવાઓને આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લીધો છે અને તે 31 માર્ચ સુધી રદ રહેશે.
વહીવટીતંત્રએ 31 માર્ચ સુધી એસી લોકલ ટ્રેનની જગ્યાએ નોન-એસી લોકલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકારે કરેલી વિનંતીને પગલે પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેન સેવા બંધ કરવાનું નક્કી કર્યું છે. આને લીધે પ્રવાસીઓને કોઈ તકલીફ નહીં પડે. વળી, નોન-એસી લોકલ ટ્રેનોની સંખ્યા પણ ઓછી કરવામાં નહીં આવે.
પશ્ચિમ રેલવે ચર્ચગેટ અને વિરાર વચ્ચે રોજ 12 એસી ટ્રેન સેવા ઓપરેટ કરે છે. દિવસ દરમિયાન આ ટ્રેનો ખાલી દેખાતી હોય છે, સવાર-સાંજ ધસારાના સમયમાં એ ભરચક રહેતી હોય છે.
રેલવે, મેટ્રો રેલવે, બસ સેવાઓમાં 50 ટકા કર્મચારીઓથી જ કામ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય રેલવેના પ્રવક્તાએ કહ્યું છે કે થાણે-વાશી-પનવેલના ટ્રાન્સ-હાર્બર કોરિડોર પર માર્ચના અંત સુધીમાં એસી લોકલ ટ્રેન સેવા બંધ રહેશે. એની જગ્યાએ નોન-એસી લોકલ ટ્રેનો ચાલુ રખાશે.
એવી જ રીતે, થાણે-વાશી/નેરુલ/પનવેલ લાઈન ઉપર પણ 20-31 માર્ચ સુધી 16 એસી લોકલ ટ્રેન સેવા બંધ રખાશે.
મુંબઈમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો, શોપિંગ સેન્ટરો-મોલ્સ, થિયેટરો, જાહેર સ્થળો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈમાં પણ ઓડ-ઈવન નિયમ અનુસાર દુકાનો ખુલ્લી રખાશે
મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ આદેશ બહાર પાડ્યો છે કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે શહેરના અમુક વિસ્તારોમાં ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરાશે, જે અંતર્ગત દુકાનો ખુલ્લી રહેશે, પણ ઓડ તારીખોએ અમુક દુકાનો ખુલ્લી રહેશે અને ઈવન તારીખોએ બીજી દુકાનો ખુલ્લી રહેશે.
આની સાથે જ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તથા બીએમસી કમિશનર પરદેસીએ મુંબઈની તમામ ખાનગી કંપનીઓને પણ અપીલ કરી છે કે તેઓ એમને ત્યાં વધુમાં વધુ 50 ટકા કર્મચારીઓથી જ કામ ચલાવે. શક્ય હોય ત્યાં સુધી કર્મચારીને એમના ઘેરથી કામ કરવાની તક આપવી જોઈએ.