ભીડ ઘટાડો: મુંબઈની ‘બેસ્ટ’ બસોમાં ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો મુંબઈમાં વધુ ન ફેલાય એ માટે મહારાષ્ટ્ર સરકાર અને મહાનગરપાલિકા વહીવટીતંત્ર એકદમ સતર્ક છે. રેલવે સ્ટેશનો પર અને બસ સ્ટોપ્સ કે એસ.ટી. બસ ડેપો ખાતે લોકોની ભીડ ઓછી થાય એ માટે લોકોને જરૂર વગર પ્રવાસ ન કરવાની અને શક્ય હોય તો ઘેરથી જ પોતપોતાનું કામ કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.

મહાપાલિકા સંચાલિત ‘BEST’ કંપનીએ બસ પ્રવાસીઓને અપીલ કરી છે કે વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને બસમાં ભીડ ન કરવા અને આજથી ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ કરી છે.

લોકલ ટ્રેનો તથા બસ જેવા જાહેર પરિવહન સેવાના સાધનો પર પ્રવાસીઓનો ભાર ઘટાડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા સાધનો પર પ્રવાસીઓનો ભાર 50 ટકા જેટલો ઘટાડવાનું સરકારે નક્કી કર્યું છે.

ભારતમાં કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજથી પાંચ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કુલ 152 સંક્રમિત કેસો છે, આમાં 25 જણ વિદેશના છે. 14 જણ ઠીક થઇને ઘરે પહોંચ્યા છે, ત્રણના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં 45 કેસો નોંધાયા છે. આ રોગને કારણે મુંબઈમાં એક જણનું મરણ નિપજ્યું છે.

બેસ્ટ બસોને કોરોના વાઈરસના જંતુઓથી મુક્ત રાખવા માટે કંપની દ્વારા બસોમાં સતત સફાઈ કરાવવામાં આવી રહી છે. કર્મચારીઓ બસની સીટ તથા હેન્ડલ્સ વગેરેને સતત જંતુનાશકો વડે સ્વચ્છ કરતા રહે છે. (જુઓ આ તસવીરો)