અમિતાભે ‘હોમ ક્વોરન્ટીન’ વિશે જાગૃતિ ફેલાવી; મુંબઈ મહાપાલિકા પ્રભાવિત થઈ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર હાથની તસવીર શેર કરી છે જેમાં ‘હોમ ક્વોરન્ટીન’નો થપ્પો મારેલો છે.

‘હોમ ક્વોરન્ટીન’નો થપ્પો મારેલા હાથની તસવીર અમિતાભે ગઈ કાલે મોડી રાતે ટ્વીટ કરી હતી.

એ સાથેની કેપ્શનમાં એમણે લખ્યું હતું: ‘T 3473 – મુંબઈમાં વોટર શાહી સાથે હાથ પર થપ્પો મારવાનું શરૂ કરવામાં આવ્યું છે… સુરક્ષિત રહો, સાવચેત રહો, જો નિદાન થાય તો આઈસોલેટ રહેજો.’

સ્પષ્ટતા એ કરવાની કે અમિતાભને કોરોના વાઈરસ લાગુ પડ્યો નથી, પરંતુ લોકો સાવચેત રહે અને અનિવાર્ય ન હોય તો પ્રવાસે જવાનું ટાળે અને ઘરમાં જ રહે એ વિશેનો આ એક પ્રકારનો જનજાગૃતિ સંદેશ છે.

હોમ ક્વોરન્ટીન વિશે જનજાગૃતિ ફેલાવવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અમિતાભ બચ્ચનનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે બચ્ચન કોરોના વાઈરસ અંગે સોશિયલ મિડિયા પર સક્રિય રીતે સલાહ-સૂચન આપતા રહે છે. હાલમાં જ એમણે કોરોના વાઈરસ ઉપર એક કવિતા લખી હતી અને એનું પઠન કરતો વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. મુંબઈમાં જુહૂ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને એમણે એમના પ્રશંસકો સાથે એમની સાપ્તાહિક રવિવારની મીટિંગ યોજવાનું પણ રદ કરી દીધું છે.

પીઢ અભિનેતા દિલીપ કુમારે પણ પોતાને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે આઈસોલેટ કર્યા છે. પોતાને આ વાઈરસનો ચેપ જરાય ન લાગે એટલા માટે એમણે પોતાને સંપૂર્ણપણે ક્વોરન્ટીન કરી દીધા છે. 97-વર્ષીય દિલીપ કુમારે આ જાણકારી પોતે જ ટ્વિટર મારફત આપી હતી.