કોરોનાઃ વૈષ્ણોદેવી યાત્રા રદ, દેશભરમાં અનેક ધાર્મિક સ્થળો બંધ

જમ્મુ-કશ્મીર: કોરોના વાયરસના વધતા જતા ડરના કારણે દેશભરમાં જે સ્થળોએ ભીડ જમા થતી હોય તેવા સ્થળો પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોનો જમાવડો રોકવા માટે દેશના ઘણા બધા મંદિરોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ મામલે હવે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા કારણોસર આજથી માતા વૈષ્ણોદેવી મંદિરને બંધ કરી દેવાયું છે. જમ્મુ કાશ્મીર સરકારના સૂચના અને સંપર્ક વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે માતા વૈષ્ણોદેવી યાત્રા આજથી બંધ કરી દેવાઈ છે. આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે આગામી 25 માર્ચથી દેશભરનાં હજારો શ્રદ્ધાળુ માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા હતાં.

વૈષ્ણોદેવી મંદિર શ્રાઇન બૉર્ડનાં અધિકારીઓનું કહેવું છે કે અત્યારે મંદિર સુધીનાં ટ્રેક પર યાત્રા કરનારા તમામ યાત્રીઓની તપાસ બાદ બાણ ગંગા ચેકપોસ્ટથી આગળ મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાવધાની રાખતા યાત્રા માર્ગ પર વર્તમાન શ્રાઇન બૉર્ડની તમામ ડિસેમ્પેંસરીમાં તમામ વ્યવસ્થા કરી છે. યાત્રા સ્થગિત કર્યા બાદ નવરાત્રીમાં અહીં આવનારા પર્યટકોને થોડીક નિરાશા જરૂર થઈ શકે છે.

યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર અચાનક બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. સવારે પાંચ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં 8500 શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બોર્ડના જણાવ્યા અનુસાર જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે તે લોકો યાત્રા કરી શકે છે. આ સાથે જ ઓનલાઈન સેવાઓ પણ હાલપૂરતી બંધ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત જમ્મુ કશ્મીરથી આવતી જતી તમામ આંતરાજ્ય બસોના પરિચાલન પર પણ આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, નવરાત્રી દરમ્યાન વૈષ્ણો દેવી મંદિરે દર્શન માટે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં આવે છે.

દેશના અન્ય મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં 31 માર્ચ સુધી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો તીરુપતિ બાલાજી મંદિરમાં દર્શન બંધ નથી કરાયા પણ વેઈટિંગની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના શિરડીના સાંઈ મંદિરને મંગળવારે બપોરે 3 વાગ્યાથી શ્રદ્ધાળુ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં ભસ્મ આરતીમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]