કોરોનાનો પ્રકોપઃ મુંબઈ સંપૂર્ણ બંધ, 31 માર્ચ સુધી; આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

મુંબઈઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) સહિત રાજ્યના ચાર શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરી છે કે કોરોના વાઈરસના ફેલાવાએ વધારે ચિંતા ઊભી કરતાં મુંબઈ અને પુણે શહેરો સહિત રાજ્યના મોટા શહેરોમાં 31મી માર્ચ સુધી તમામ કામકાજના સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

મુંબઈ અને પુણે ઉપરાંત પિંપરી ચિંચવડ અને નાગપુરમાં પણ સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂકાશે.

ઠાકરેએ જોકે સ્પષ્ટતા કરી છે કે આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે જેમ કે પીવાના પાણીની સેવા, ખાદ્યપદાર્થો અને શાકભાજી, કરિયાણાની ચીજવસ્તુઓ, દૂધ વિતરણ, દવા-ઔષધો, બેન્કિંગ, ટેલિફોન, રેલવે, પરિવહનના અન્ય માધ્યમો, હોસ્પિટલો, તબીબી કેન્દ્રો, મેડિકલ સ્ટોર્સ, વીજપૂરવઠા વિતરણ સેવાનો સમાવેશ થાય છે.

ઠાકરેએ કહ્યું કે, મુંબઈ મહાનગરમાં આવશ્યક સેવાઓ અને જાહેર પરિવહન સેવાને બાદ કરતાં સંપૂર્ણપણે બંધ પાળવામાં આવશે. આ રજા નથી, પરંતુ રસ્તાઓ પર અને જાહેર સ્થળોએ લોકોની ભીડ જમા ન થાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં બેન્કો ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 52 કેસ નોંધાયા છે. એક દર્દીનું મુંબઈમાં ગયા અઠવાડિયે નિધન થયું હતું.

ટીવી પર જીવંત પ્રસારિત સંબોધનમાં ઠાકરેએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકાથી વધુ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવી છે. અગાઉ 50 ટકા કર્મચારીઓને રોટેશન-મુજબ બોલાવવાનું નક્કી કરાયું હતું, પણ હવે માત્ર 25 ટકા કર્મચારીઓને જ બોલાવવાના રહેશે.

ઠાકરેએ કહ્યું કે, લોકલ ટ્રેનો અને બસ સેવા શહેરની જીવાદોરી સમાન છે તેથી એમને બંધ કરી શકાય એમ નથી. આ પગલું ભરવાની મને સલાહ મળી છે. હાલને તબક્કે તો જાહેર પરિવહન સેવાને બંધ ન કરવાનું નક્કી કરાયું છે. લોકોએ અમારી અપીલનું માન જાળવ્યું છે તેઓ ઘરમાં જ રહે છે. ટ્રેનો અને બસોમાં રોજની જેવી ભીડ જોવા મળતી નથી.

ઠાકરેએ કહ્યું કે કોરોના રોગચાળાએ દુનિયાભરમાં ગભરાટ ફેલાવી દીધો છે અને અસંખ્ય દેશોમાં લોકોને એમના ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

મારી માલિકોને અપીલ છે કે તેઓ શટડાઉનના સમયગાળા દરમિયાન એમના કર્મચારીઓને લઘુત્તમ વેતન આપે. આવા વિપરીત સંજોગોમાં માત્ર માનવતા જ જીતાડી શકે એમ છે.

મુંબઈમાં ટિફિનસેવાવાળાઓ પણ જોડાયા છે કોરોના સામેની લડાઈમાં

કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકાઓએ જનસુરક્ષાનાં અનેક મોટા-મહત્ત્વના નિર્ણયો લીધા છે. મુંબઈમાં કામધંધે જતા લોકોને બપોરના જમવા માટેના ટિફિન પહોંચાડવાની સેવા બજાવતા ડબ્બાવાળાઓ પણ કોરોના રોગચાળા સામેની લડાઈમાં જોડાઈ ગયા છે. એમણે પણ સેવા તાત્પૂરતી – એટલે કે આજે 20 માર્ચથી લઈને 31 માર્ચ સુધી બંધ રાખી દીધી છે.

મુંબઈ તથા આસપાસના થાણે, પાલઘરમાં લોકોને એમની ઓફિસે, દુકાને કે ઘેર જઈને ટિફિન પહોંચાડવા માટે 5000 જેટલા ડબ્બાવાળાઓ કાર્યરત છે. આ તમામનું એક સંઘ છે જે ટિફિનસેવાનું સંચાલન કરે છે. આ સેવાનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 45 કરોડ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]