સીમાંકન વિધેયક અંગે સર્વપક્ષી બેઠક બોલાવવા ખડગેનો PMને પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે મહિલા અનામત અને સીમાંકન સંબંધિત વિધેયક અંગે સરકારના પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવે.

ખડગેએ PMને કરી આ અપીલ

ખડગેએ પત્રમાં જણાવ્યું છે કે આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન તેમણે સંસદીય મંત્રી કિરણ રિજિજુને અનેક વખત પત્ર લખીને કેન્દ્ર સરકારને સીમાંકન અને તેના સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ તેમની આ વિનંતીઓને સ્વીકારવામાં આવી નહોતી. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ત્યાર બાદ બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026 માટે આ વર્ષે 17 એપ્રિલે લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મળી શકી નહોતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક મિડિયા અહેવાલો પરથી તેમને જાણ થઈ છે કે કેન્દ્ર સરકાર હવે આવનારા ચોમાસુ સત્ર દરમિયાન બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026નું સુધારેલું સંસ્કરણ ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સરકારે સર્વપક્ષી બેઠક બોલાવવી જોઈએ

ખડગેએ વડા પ્રધાન મોદીને વિનંતી કરતાં લખ્યું હતું કે સરકારના સીમાંકન અને અન્ય સંબંધિત સુધારેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે કૃપા કરીને સર્વપક્ષી બેઠક બોલાવો અને તેમને સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં અમને તેનો વિગતવાર અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપો. બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026નો હેતુ 2029થી મહિલા અનામત અમલમાં મૂકવાનો તેમ જ લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના સીમાંકન અને લોકસભાની બેઠકોની સંખ્યામાં ફેરફારનો માર્ગ મોકળો કરવાનો હતો. જોકે 17 એપ્રિલ, 2026એ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતાં આ બંધારણ સુધારા વિધેયક પસાર થઈ શક્યો નહોતો. આ પહેલાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ગુરુવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ સીમાંકન વિધેયકનો જોરદાર વિરોધ ચાલુ રાખશે અને વિપક્ષી એકતા જાળવવાનો પ્રયાસ પણ કરશે. તેમણે દાવો કર્યો હતો કે સરકારને લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની કોઈ શક્યતા દેખાતી નથી.