સ્ટારબક્સે કર્મચારીઓ માટે ‘રસી-ફરજિયાત’ આગ્રહ પડતો મૂક્યો

ન્યૂયોર્કઃ અમેરિકામાં કોવિડ-19 રસી અને ટેસ્ટિંગ નિયમો અંતર્ગત પોતાના કર્મચારીઓ માટે રસી લેવાનું હવે પછી ફરજિયાત નહીં રહે એમ સ્ટારબક્સ કંપનીએ જાહેરાત કરી છે. કોફી બિઝનેસની અગ્રગણ્ય કંપનીએ એક આવેદનપત્ર મારફત તેના કર્મચારીઓને આની જાણ કરી છે. કોરોના-પ્રતિરોધક રસી લેવી ફરજિયાત છે એવી અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનની ઘોષણાને દેશની સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ સ્ટારબક્સે કર્મચારીઓ માટે ફરજિયાત રસીનો આગ્રહ પડતો મૂકી દીધો છે.

સીએટલસ્થિત કંપની સ્ટારબક્સે જોકે કહ્યું છે કે તે કોવિડ-19 રસ લેવાની જરૂરિયાત માટે ભલામણ કરતી પોતાની નીતિને જરાય ઢીલી નહીં કરે અને રસી લેવાની કર્મચારીઓને વિનંતી કરવાનું ચાલુ રાખશે.

કર્મચારીઓને જણાવવામાં આવ્યું છે કે એમણે કામ પર હાજર થતી વખતે કાપડના માસ્ક ન પહેરવા અને તેને બદલે કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા મેડિકલ-ગ્રેડ સર્જિકલ માસ્ક જ પહેરવા. સ્ટારબક્સે કહ્યું છે કે તેના 90 ટકા જેટલા કર્મચારીઓએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.