રશિયા યુક્રેન પર હુમલો કરશે તો કિંમત ચૂકવશેઃ બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનની સામે લાલ આંખ કરી છે. યુક્રેનને લઈને અમેરિકા અને રશિયાની વચ્ચે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે પુતિન યુક્રેનની સાથે યુદ્ધ નથી ઇચ્છતા, પણ જો તે સૈન્ય ઘૂસણખોરી કરવા માટે આગળ વધે છે તો એણે એની કિંમત ચૂકવવી પડશે. જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો રશિયા માટે એ એક વિપત્તિ હશે, કેમ કે અમારા સાથી અને સહયોગીઓ રશિયા અને એના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે.

જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ પ્રણાલી સુધી રશિયાની પહોંચને સીમિત કરી દેશે, એમ તેમણે કહ્યું હતું. બાઇડનનું નિવેદન અમેરિકી વિદેશપ્રધાન એન્ટિ બ્લિંકનની યુક્રેનની યાત્રાના કેટલાક કલાક પછી આવ્યું છે. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે રશિયાએ યુક્રેનની સરહદે એક લાખથી વધુ સૈનિકોને તહેનાત કર્યા છે. રશિયાનું આયોજન બહુ ઓછા સમયમાં સૈનિકોની સંખ્યા બે ગણી કરવાની છે.

રશિયાએ પૂર્વ ભાગમાં તહેનાત સૈનિકોએ મોટા યુદ્ધાભ્યાસ માટે બેલારુસ મોકલી રહી છે. પશ્ચિમી દેશોમાં હુમલાના ડરની વચ્ચે આ તહેનાતીને લીધે યુક્રેનની પાસે રશિયાની સેનાના માલસામાનની સંખ્યા વધી ગઈ છે. રશિયાની ઉપ-સંરક્ષણપ્રધાન એલેક્ઝાન્ડર ફોમિને કહ્યું હતું કે યુદ્ધાભ્યાસનો હેતુ રશિયા અને બેલારુસ વચ્ચેના ગઠબંધન દ્વારા બહારનાં જોખમો સામે સંયુક્ત અભ્યાસ કરવાનો છે. બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠ રાજકીય, આર્થિક અને સેના સંબંધ છે. યુક્રેનના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે રશિયા સહયોગી બેલારુસના ક્ષેત્ર સહિત વિવિધ દિશાઓથી હુમલો કરી શકે છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]