‘તાઉ’તે’ને લઈને અમદાવાદને ચેતવણીઃ ધોલેરામાં 962-લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડું રાજ્યના દરિયાકિનારે ટકરાવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વાવાઝોડું અતિ તીવ્ર કેટેગરીમાં તબદિલ થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગે તેને રેડ એલર્ટ ગણાવ્યું છે. ‘તાઉ’તે’ વાવાઝોડા સંદર્ભે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 90થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભલે અમદાવાદમાં વાવાઝોડું ત્રાટકે નહીં,. પણ ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. અમદાવાદીઓને પણ ચેતવણી છે કે રાત્રે કામ વિના ભૂલથી પણ ઘરેથી ના નીકળે.

‘તાઉ’તે’ વાવાઝોડાને ધ્યાને રાખી અમદાવાદ જિલ્લાનું આગોતરું આયોજન ઘડી દેવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે ધોલેરાના 962 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. ધોલેરામાં કુલ 38 આશ્રયસ્થાનો આશ્રિતોની સેવામાં કાર્યરત છે. તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેમને આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યાં છે. આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત છ ગામોના ૯૬૨ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

આ છ ગામોમાં કાર્યરત ફુલ ૩૮ આશ્રયસ્થાન કેન્દ્રો ૨૪૦૦ જેટલા લોકોને સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સેવાભાવી સંસ્થાના સહયોગથી ચારથી પાંચ હજાર જેટલાં ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવશે. આશ્રય સ્થાનોમાં રહેલ તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.