મતદાન જાગૃતિ માટે થયા MoU

અમદાવાદ જિલ્લાના વિવિધ ઉદ્યોગ ગૃહોમા કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકો ચૂંટણીમાં પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી શકે તે માટે આજે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી. કે. તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિ વચ્ચે મતદાન જાગૃતિ વિષયક MoU થયા. જેમાં અરવિંદ મિલ્સ, ઝેડેક્સ કલોધિંગ, નેસ્લે, ઝાયડસ લાઇફ સાયન્સીસ, સુઝુકી લિ., માલ્કોન સહિતની કંપનીઓ સહભાગી બની છે.

અમદાવાદ જિલ્લાના શ્રમ વિભાગના તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક એસોસિયેશન સાથે બેઠક કરી. તેઓની સભ્ય સંસ્થાઓના જવાબદાર પ્રતિનિધિઓને હાજરીમાં મતદાન જાગૃતિ કરવા બાબતે સ્થાનિક કક્ષાએ પણ MoU સાઈન કરાવવામાં આવ્યા છે. મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવા બાબતે પણ સંસ્થાઓ પાસેથી બાંહેધરી પત્રક લેવામાં આવ્યા છે. જિલ્લામાં આવેલ કારખાનાઓ અને સંસ્થાઓ દ્વારા કામદારોને આપવામાં આવતી પગારચિઠ્ઠીમાં ‘મારો મત, મારો અધિકાર, મતદાન મારી જવાબદારી’ સૂત્ર ઉમેરવામાં આવે તેવું સુનિશ્ચિત કરાયું છે.

વિવિધ ઔદ્યોગિક વિસ્તારો, શહેરી વિસ્તારો, તાલુકાઓ વગેરેમાં આવેલી સંસ્થાઓ, કારખાનાઓ તથા ઔદ્યોગિક વસાહતોની રૂબરૂ મુલાકાત કરી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંસ્થાઓ કે કારખાનાઓમાં કાર્યરત શ્રમયોગીઓનો રૂબરૂ સંપર્ક કરી લોકશાહીમાં ચૂંટણીનું કેટલું અને શું મહત્ત્વ છે તેની સમજ આપવામાં આવી રહી છે. દરેક કામદારને તેમના મતનું મહત્ત્વ સમજાવી અચૂક મતદાન કરવા બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આવેલી તમામ સંસ્થા કારખાનાઓમાં કામ કરતા અમદાવાદ જિલ્લાના વતની દરેક શ્રમયોગી પોતાના નિયત મતવિસ્તારના રાજ્ય/જિલ્લામાં મતદાન માટે કોઈપણ અડચણ વગર જઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા તમામ મદદનીશ શ્રમ આયુકત, સરકારી શ્રમ અધિકારીઓ રૂબરૂ તથા ઇ-મેઈલ મારફતે અપીલ કરી હતી. જેના અનુસંધાને મતદાન કરવા બાબતે શ્રમિકોને જો કોઈ અડચણ ઊભી થાય તો તે અન્વયેની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરી શકાય તે માટે સ્પેશ્યલ કંટ્રોલ રૂમ (૦૭૯-૨૫૫૦૨૮૪૨) શરૂ કરી સરકારી શ્રમ અધિકારીઓ દ્વારા આ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

જિલ્લાની તમામ અગ્રણી સંસ્થાઓ, કારખાનાઓ જેવાં કે AIA એન્જિનિયરિંગ, સુઝુકી મોટર્સ, હોન્ડા, M INDA KYORAKU LIMITED, TOYOSTU BHARAT INTIGRETED SERVICES PVT. LTD., HONDA, MILACRON INDIA LIMITED, INOX WIND, LUBI INDUSTRIES LLP વગેરે તથા અગ્રણી હોસ્પિટલો જેવા કે GCRI, SVP HOSPITAL, GCS HOSPITAL, KAKADIYA HOSPITAL વગેરે અને અગ્રણી હોટેલ સંસ્થાઓ જેવા કે HOTEL LEMON TREE, HOTEL CAMA વગેરે અગ્રણી મોલ જેવા સ્થળોએ શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા માલિકો / મેનેજરોને રૂબરૂ મુલાકાત, ઇ-મેઈલ, સોશિયલ મીડિયાના માધ્યમથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં અમદાવાદ યુનિવર્સિટી જેવી જિલ્લાની અગ્રણી શૈક્ષણીક વગેરેમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે.

અમદાવાદ શહેરના અગ્રણી મોલ જેવા કે આલ્ફા વન મોલ, નેશનલ હેન્ડલુમ, રિલાયન્સ મોલ, ડી-માર્ટ, ઓશિયા મોલ વગેરે દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા બીલ/વાઉચરના માધ્યમથી મતદાન માટે જાગૃતતા વધારે કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સૂચના મુજબ મતદાન દિવસ બાબતની જરૂરી માહિતી/સૂચનાઓ પહોંચાડી શકાય તથા તેમને ચૂંટણીને લગતી સૂચનાઓ, પરિપત્રો, હુકમો વગેરેથી માહિતગાર કરી શકાય, તે માટે ૧૦૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાઓના પ્રતિનિધિનું વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેની મદદથી સકારાત્મક સંદેશાઓને ત્વરિત પ્રસારિત કરી શકાય.