ચાર-રાજ્યોને ધમરોળી ગુજરાત તરફ વધતું વાવાઝોડું: 12નાં મોત

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું સૌથી મોટું વાવાઝોડું ‘તાઉ’તે’ હવે કેરળ તથા કર્ણાટકમાં ભારે વરસાદ સાથે કાચાં મકાનો તથા સંદેશવ્યવહારને નુકસાન પહોંચાડીને મહારાષ્ટ્ર તથા ગોવા થઈને હવે ગુજરાત ભણી આગળ વધી રહ્યું છે અને તેજ હવાને કારણે વ્યાપક નુકસાન થયું છે. જોકે અગાઉથી NDRF સહિતની રાહત બચાવની ટુકડીઓ તહેનાત હોવાથી તથા લાખો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હોવાથી મોટી જાનહાનિ નિવારી શકાય છે. આ વાવાઝોડાને પગલે અત્યાર સુધી 12 લોકોનાં મોત થયાં છે.

ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર હેઠળ કેરળ, કર્ણાટક અને ગોવામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને અંદાજે 100 લોકોને નાની-મોટી ઇજામાં સારવાર અપાઈ રહી છે. દેશભરમાં NDRFની કુલ 100 ટીમો અલગ-અલગ રાજ્યોમાં તહેનાત કરવામાં આવી છે તો ભારતીય હવાઈ દળે અસરગ્રસ્તને ઉગારવા તથા રાહત-બચાવ સામગ્રી પહોંચાડવા માટે 16 ટ્રાન્સપોર્ટ વિમાનો તથા 18 હેલિકોપ્ટર પણ તૈયાર રાખ્યાં છે તો અમદવાદ સહિતના કેન્ટોનમેન્ટમાં સૈન્યની બચાવ ટુકડીને સ્ટેન્ડ ટુ રહેલા આદેશ આપવામાં આવ્યા છે.
કોસ્ટગાર્ડના અહેવાલ મુજબ દરિયામાંથી મોટા ભાગની માછીમાર બોટ પરત આવી ગઈ છે. ગોવામાં વાવાઝોડાના કારણે ગઈ કાલથી દેશભરમાંથી આવતી તમામ વિમાની સેવાઓ રદ કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે દરેક ક્ષેત્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં કુલ બે લોકોનાં મોત થયાં છે.  વાવાઝોડાના પગલે મધ્યપ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે સમગ્ર દેશમાં વાવાઝોડા સ્થિતિ અંગે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેઓ ખાસ ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.