અમદાવાદ સહિત અનેક જિલ્લામાં કરાં સાથે કમોસમી વરસાદ

અમદાવાદઃ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એકસાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનો અંદાજ છે.

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત કચ્છ,  મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

માર્ચમાં માવઠું

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારમાં તેજ પવનનો સાથે માવઠું થયું હતું.‌ અણધાર્યા માવઠાથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ અમદાવાદમાં ઠંડી-ગરમીનો મિશ્ર અહેસાસ થયા કરે છે. એવા સમયે માર્ચની શરૂઆતે જ અચાનક જ પલટો આવ્યો અને માવઠું થયું હતું. શહેરના સી.જી.રોડ, આંબાવાડી વિસ્તારમાં વરસતા વરસાદે છત્રી સાથે લોકો જોવા મળ્યા. જ્યારે અચાનક પડેલા વરસાદને કારણે માર્ગ પર વેપાર કરતા લોકોનો માલ-સામાન ભીંજાઈ ગયો હતો..

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન સાથે પવન ફૂંકાવાની સાથે સાબરકાંઠામાં કરાં પડ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી અને પોશીના પંથકમાં કમોસમી વરસાદની સાથે કરાં પડ્યા છે. વડાલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અહીં કરાં પડતાં બરફની ચાદર છવાઈ હતી.

મહેસાણા અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં રહેલા પાક ઉપર વરસાદ પડવાને કારણે પાક નિષ્ફળ થશે. રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એસાથે જ ખેડૂતોના ખેતરમાં રહેલો પાક પલળી ગયો હતો.

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 25 થી 43 કિલોમીટર સુધીનો ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડયું હતું. જેના કારણે હાલ ખેડૂતો પાકની કાપણીનો સમય હોવાથી ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે.

પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું છે અને આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી ઠંડી વધી શકે છે.

બીજી બાજુ, કચ્છમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં છે. ભુજ, અંજાર, મુંદ્રા અને ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાક નુકસાનની ભીતિ છે. કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.