ABVP અધ્યક્ષનો જૂનો પત્ર વાઈરલ, શિક્ષણમાં ભ્રષ્ટાચારની PMને રાવ કરી હતી

અમદાવાદઃ એકતરફ શહેરમાં રિવરફ્રન્ટ પર એબીવીપી અધિવેશન યોજાયું છે ત્યાં આજે એબીવીપીના કર્ણાવતી અધ્યક્ષના સોશિઅલ મીડિયામાં વાઈરલ થયેલ પત્રે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સાણસામાં લઈ લીધાં હતાં. ગઈકાલે સીએમ રુપાણી દ્વારા મહેસૂલ અને પોલિસ ખાતાંમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના સ્વીકારનો મુદ્દો હજુ હવામાં છે ત્યાં ભ્રષ્ટાચારને લઈને આ પત્રે ભાજપને મૂંઝવણમાં મૂકી દીધો હતો.

ફાઈલ ચિત્ર

ABVP ના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કિરણસિંહ રાજપૂતે સપ્ટેમ્બરમાં શિક્ષકદિન નિમિત્તે આ પત્ર લખ્યો હતો. પત્રમાં કિરણસિંહે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પર નિશાન સાધ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે શિક્ષણપ્રધાન ભ્રષ્ટાચારીઓને છાવરે છે. તેમણે પત્રમાં કેટલાક નામોલ્લેખ સાથે જણાવ્યું છે કે અધિકારીઓ પર શિક્ષણપ્રધાનનો કાબૂ નથી. યુનિવર્સિટીના ભ્રષ્ટાચારમાં કોંગ્રેસ અને બીજેપીની મિલીભગતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે શિક્ષણના ક્ષેત્રમાં ખુબ જ ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. ખાનગી શાળાઓ અને કોલેજો અને યુનિવર્સીટીઓ ખુલ્લેઆમ પ્રજાને લૂંટી રહી છે. 22 વર્ષથી વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓએ ઘણી ખાનગી અને શાળા-કોલેજો શરુ કરી દીધી છે. આ સાથે જ કેટલાક નામ આપ્યા છે અને કહ્યું છે કે આ લોકો તેમાંથી કરોડો રુપિયા કમાય છે અને આપણી સામે જ ચૂંટણીમાં ગુજરાતની બધી યુનિવર્સીટીના રાજકારણમાં ખર્ચે છે પરંતુ શિક્ષણ પ્રધાન તેમને છાવરે છે.

પત્રમાં જણાવાયું છે કે પ્રજા, શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ખુબ નારાજ છે. તંત્ર ઢીલુ-ઢાલું ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ આવનારી 2019ની ચૂંટણીઓ માટે ઘાતક નીવડે તેમ છે. સત્વરે યોગ્ય પગલા લેવા અતિઆવશ્યક છે.

ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી સેન્ટર છે. મનીષ દોષીએ જણાવ્યું કે ભાજપના 23 વર્ષના શાસનમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. એબીવીપીના કાર્યકર્તાઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.