કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યા

ન્યૂ યોર્ક- અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના એક 33 વર્ષીય પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મૃતકની ઓળખ ન્યૂમેન પોલીસ વિભાગના રોનિલ સિંહના રૂપમાં કરવામાં આવી છે. ક્રિસમસની રાતે રોનિલ સિંહ ડ્યૂટી પર ઓવરટાઈમ કરી રહ્યાં હતાં. આ મામલે તપાસ કરી રહેલા સ્ટેનિસ્લોસ કાઉન્ટી શેરિફ્સ વિભાગે તેમના એક નિવેદનમાં કહ્યું કે, ઘટનાની થોડી જ ક્ષણોમાં રોનિલ સિંહના મૃત્યુની ખબર રેડિયો પર આપવામાં આવી હતી.

ગોળી વાગ્યા બાદ રોનિલ સિંહને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ હુમલાખોરો ત્યાંથી પલાયન થવામાં સફળ રહ્યાં હતાં. આ મામલે તપાસ કરી રહેલા વિભાગે હુમલાખોરો અને તેમના વાહનોનું ફૂટેજ જારી કરીને લોકોને તેમની ઓળખ કરવા અપીલ કરી છે.

આરોપી

રોનિલ સિંહ 7 વર્ષથી ન્યૂમેન પોલીસ વિભાગમાં કામ કરી રહ્યાં હતાં. ન્યૂમેન પોલીસ વિભાગમાં જોડાયા પહેલા રોનિલ સિંહ મર્સ્ડ કોઉન્ટી શેરિફ્સ વિભાગમાં કામ કરી રહ્યાં હતાં. રોનિલના પરિવારમાં તેમની પત્ની અને પાંચ મહિનાનો એક પુત્ર છે.

એક રિપોર્ટ અનુસાર રોનિલ ફિજીનો રહેવાસી છે. કેલિફોર્નિયાના ગવર્નર એડમંડ બ્રાઉન ઉપરાંત ન્યૂ યોર્ક પોલીસ કમિશનર અને ઈન્ડિયન ઓફિસર્સ સોસાયટીએ પણ રોનિસ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.