લોકસભા ચૂંટણીને ગમતરીના દિવસો બાકી છે. તારીખ 7મી મેના રોજ રાજ્યમાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. કેટલાક અવનવી રીતે ઉમેદવારો પ્રજાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભાજપ રૂપાલા વિવાદને કારણે પડકારો સહન કરી રહ્યો છે.
આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, ‘આટલી ગરમીમાં પણ દૂર દૂરથી આવેલા લોકોનો આભાર. હાલ દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપ અને સંઘના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે, તે બંધારણના કારણે મળ્યું છે.’
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું ‘બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. અનામતને ખતમ કરવાનો બીજો માર્ગ એટલે ખાનગીકરણ. અને દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે.’ આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો. તેમનું દેવું માફ નથી કરતાં.’
રામ મંદિરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હાલ બે ભારત જોવા મળી રહ્યા છે. તમે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો હોય. રાષ્ટ્રપતિને પણ બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા કારણ કે, તેઓ આદિવાસી છે. ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે, હાલમાં જ તેમના રાજા-રજવાડા પરના નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો.