જૂનાગઢ: કોનો ગઢ?

જૂનાગઢ:  આ એક ઐતિહાસિક નગર છે. દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947માં મળી પરંતુ જૂનાગઢને ખરા અર્થમાં 9મી નવેમ્બર, 1947ના રોજ આઝાદી મળી હતી. સંત, સુરા અને સાવજની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. છેલ્લાં એક દાયકાથી લોકસભાની ચૂંટણીમાં અહીં ભાજપનો ભગવો લહેરાય છે. ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અલગ જ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે વર્તમાન ઉપપ્રમુખ અને પીઢ કોંગ્રેસી અને આહીર અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરી છે.  જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં કોળી સમાજના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચ સમાજના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. 

ઉમેદવાર

ભાજપ: રાજેશ ચુડાસમા

રાજેશ ચુડાસમા કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ, 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સાંસદ છે. અગાઉ તેઓ માંગરોળના ધારાસભ્ય હતા. રાજેશ ચુડાસમા જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભાજપની ટિકિટ પર સૌથી નાની વયના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ચુડાસમા સપ્ટેમ્બર, 2014થી મે, 2019 દરમિયાન પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિના સભ્ય તેમજ કૃષિ મંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય હતા. ઉપરાંત 13 સપ્ટેમ્બર 2019થી રસાયણ અને ખાતર અંગેની સ્થાયી સમિતિના સભ્ય અને સલાહકાર સમિતિના સભ્ય છે.

કોંગ્રેસહીરા જોટવા

હીરા જોટવાએ બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા. આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે. 

PROFILE

  • જૂનાગઢ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, ઉના અને કોડીનાર
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજેશ ચુડાસમાએ આ બેઠક પરથી 5,47,952ની લીડથી વિજેતા બન્યા હતા.

 

  • મતદારોની સંખ્યા
  • કુલ મતદારો  19,66,616
  • પુરુષ મતદાર 10,01,631
  • સ્ત્રી મતદાર   9,64,917

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક વિજેતા પક્ષ વોટ લીડ
જૂનાગઢ સંજય કોરડિયા ભાજપ 98,792 8,860
વિસાવદર ભૂપત ભાયાણી આપ 1,13,921 39,440
માંગરોળ ભગવાનજી કરગટિયા ભાજપ 67,349 1,664
સોમનાથ વિમલ ચુડાસમા કોંગ્રેસ 90,396 28,768
તાલાલા ભગા બારડ ભાજપ 98,475 34,788
ઉના પ્રદ્યુમન વાજા ભાજપ 67,078 5,818
કોડીનાર કાળુ રાઠોડ ભાજપ 1,05,324 64,622

વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી 2022ની વિધાનસભા બેઠકમાં જીત્યા હતા. જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ત્યારે આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

જૂનાગઢ બેઠકની વિશેષતા

  • 1962માં જૂનાગઢ બેઠક અસ્તિત્વમાં આવી.
  • કોંગ્રેસે 1989 બાદ આ લોકસભા બેઠક પર યોજાયેલી આઠ ચૂંટણી પૈકી ફક્ત 2004ની એક જ ચૂંટણી જીતી હતી.
  • ભાજપે 1991ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર જૂનાગઢ બેઠક પર વિજય મેળવ્યો હતો.
  • ભાજપના ભાવનાબહેન ચીખલિયાએ 1991થી 1999 સુધીની સળંગ ચાર લોકસભા ચૂંટણી જીત્યા હતા.