અમદાવાદઃ આજે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ-2021માં મહિલાઓની ટેબલ ટેનિસ સિંગલ્સ સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ માટે ગુજરાત સરકારે રૂ. 3 કરોડના ઈનામની જાહેરાત કરી છે. ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામનાં વતની છે. તેઓ આજે રમાઈ ગયેલી ફાઈનલમાં ચીનની ખેલાડી સામે 0-3થી હારી જતાં એમને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.
મુખ્ય પ્રધાનના કાર્યાલય તરફથી એક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસ રમતમાં અસાધારણ સિદ્ધિ મેળવવા બદલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાવિના પટેલને અભિનંદન આપ્યા છે. મુખ્ય પ્રધાને રાજ્ય સરકારના દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલ માટે રૂ. 3 કરોડના ઈનામની જાહેરાત કરી છે. ભાવિનાએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસની રમતમાં પહેલો જ મેડલ અપાવવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ મહેસાણાના ગામમાં રહેતાં એનાં પરિવારજનો તથા ગામનાં લોકોએ કરી ફટાકડા ફોડી, એકબીજાંને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી હતી.