ચારુસેટના પ્રમુખપદે સુરેન્દ્ર પટેલની સર્વાનુમતે પુન: વરણી

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ના પ્રમુખ તરીકે સતત પાંચમી વાર  સુરેન્દ્ર પટેલની પુન: વરણી કરવામાં આવી છે. 28મી ઓગસ્ટ, ૨૦૨૧એ શનિવારે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે વરણી થઈ હતી. તેમની સતત પાંચમી ટર્મ જાન્યુઆરી, 2022-ડિસેમ્બર, 2024 માટે ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ 2009થી ચારુસેટના સ્થાપક પ્રમુખ છે.

સિવિલ એન્જિનિયર સુરેન્દ્ર પટેલ જાણીતા ટેક્નોક્રેટ અને AUDAના ભૂતપૂર્વ ચેરમેન છે. તેઓ રાજયસભાના ભૂતપૂર્વ સભ્ય છે. તેઓ 2004માં ચેરમેન તરીકે ચારુસેટમાં જોડાયા ત્યારથી ચારુસેટ સતત સફળતાનાં શિખરો સર કરી રહી છે. તેમના નેતૃત્વમાં ચારુસેટનું આગામી વર્ષોમાં ભારતની ટોપ-20 યુનિવસિટીઓમાં સ્થાન મેળવવાનું સપનું છે. તેઓ 2004માં ચેરમેન થયા ત્યારે 240 વિદ્યાર્થીઓ, 4 UG પ્રોગ્રામ, 1 ઇન્સ્ટિટ્યુટ અને રૂ. ત્રણ કરોડનું મૂડીરોકાણ હતું. આજે 120 એકરના કેમ્પસમાં ચારુસેટ રૂ. 150 કરોડના રોકાણ સાથે 72 UG-PG-PHD પ્રોગ્ર્રામ અને છ ફેકલ્ટી અને નવ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જેમાં 7500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પછી યોજાયેલા સમારંભમાં વર્તમાન પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ પોતાના હોદ્દાનો ચાર્જ ચારુસેટના ચતુર્થ પ્રોવોસ્ટ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને યુનિવર્સિટીના ડીન (રિસર્ચ) ડો. આર.વી. ઉપાધ્યાયને સોંપ્યો હતો.

આ સમારંભની શરૂઆતમાં ડો. પંકજ જોશીએ પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં સાથ-સહકાર આપવા બદલ કેળવણી મંડળ અને ચારુસેટ પરિવારનો આભાર માન્યો હતો તેમ જ સૌને સાથે મળીને સુરેન્દ્ર કાકા અને ડો. એમ. સી. પટેલનું ચારુસેટમાંથી નોબલ વિજેતા પેદા કરવાનું સપનું સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

આ સમારંભમાં સુરેન્દ્ર પટેલની પ્રમુખપદે પુન: વરણીને સૌએ વધાવી લીધી હતી. સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલમાં ચારુસેટની પ્રગતિ અને વિકાસ બધાના સાથ-સહકારથી થયો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]