નવી દિલ્હીઃ તામિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રદેશાધ્યક્ષ કે. અન્નામલાઈએ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અન્નામલાઈના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ મુલાકાતો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર ભૂતપૂર્વ IPS અધિકારી અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના નજીકના સહયોગીઓના જણાવ્યા મુજબ આ પાર્ટીનો અભિગમ “ધર્મનિરપેક્ષ” અને “તમિળ ફર્સ્ટ” રહેશે. તેમણે ભાજપના નેતાઓને પાંચ પાનાંનું રાજીનામું સોંપ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આગામી છથી 8 મહિનામાં આ નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ શકે છે. આ પાર્ટી તામિલનાડુમાં ભાજપ અને દ્રવિડ પક્ષો બંનેના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. અન્નામલાઈના નજીકના લોકોનું કહેવું છે કે તેઓ એવી રાજકીય પાર્ટી ઊભી કરવા માગે છે જે તમિળ ઓળખને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે જોડે અને વિરોધી પક્ષો સામે મુદ્દા આધારિત રાજકારણ કરે.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે છેલ્લા ઘણા મહિનાઓથી અન્નામલાઈ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે તામિલનાડુમાં પાર્ટીની રાજકીય વ્યૂહરચના અંગે મતભેદોની ચર્ચા ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા AIADMK સાથે ફરી ગઠબંધન કરવાનો નિર્ણય અને તાજેતરની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉમેદવારોની પસંદગીના કેટલાક મુદ્દાઓથી અન્નામલાઈ અસંતુષ્ટ હતા. મંગળવારે અન્નામલાઈએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને પોતાનું એક પુસ્તક ભેટમાં આપ્યું હતું.
કેન્દ્રની આ નીતિનો પણ કર્યો હતો વિરોધ
અન્નામલાઈના ભવિષ્ય અંગેની અટકળો ત્યારે વધુ તેજ બની જ્યારે તેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારની CBSE ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓને ફરજિયાત બનાવવાની નીતિની ટીકા કરી હતી. તેમણે આ નિર્ણયને તામિલનાડુના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાજનક ગણાવ્યો હતો. જોકે અન્નામલાઈએ સત્તાવાર રીતે ભાજપ છોડવાની કે નવી પાર્ટી બનાવવાની જાહેરાત હજુ સુધી કરી નથી. તેથી આ તમામ માહિતી હાલમાં સૂત્રો અને અહેવાલોને આધારે સામે આવી રહી છે.






