રાજ્યમાં શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’

ગાંધીનગર: રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજીને કડક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત બીજી જૂનથી રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ લોન્ચ કરીને સાયબર ગુનેગારો સામે એક વ્યાપક અને આક્રમક મોરચો ખોલવામાં આવ્યો છે.

હાઈલેવલ બેઠકથી દોડધામ

ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈપ્રોફાઈલ બેઠકને પગલે સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો. રાજ્યના પોલીસ વડા સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG) અને ડીઆઈજી (DIG) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના વિસ્તારની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.

શું છે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’?

આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને સાયબર માફિયાઓના આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. સાયબર ગુનેગારો સામાન્ય, ગરીબ કે લાલચુ લોકોના બેન્ક એકાઉન્ટ્સ (જેને ટેકનિકલ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવાય છે) ભાડે રાખતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા કરોડો રૂપિયા આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હોય છે.

સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક એકાઉન્ટ્સમાં જમા થાય છે. એવા તમામ શંકાસ્પદ અને ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણે ટ્રેક કરવામાં આવે. ભાડે આપેલા આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને તેમની આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે. સાયબર ઠગાઈના આ કાળા કારોબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.