માંડવિયા દ્વારા રસીનો જથ્થો રવાનાઃ રસીના ઉત્પાદનવધારો થશે

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પણ કોરોના રોગચાળાની સામે કોવેક્સિન રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરમાં આવેલા પ્લાન્ટમાં તૈયાર થયેલી કોવેક્સિનનો પ્રથમ જથ્થોનો રવાના કર્યો હતો. આ પ્લાન્ટમાં મહિને એક કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા છે.  

આ પ્રસંગે આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે હૈદારાબાદ સ્થિત ભારત બાયોટેકે રાજ્યના અંકલેશ્વરમાં કોવેક્સિનના ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ સ્થાપ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદની બાયોલોજિક કંપની પણ ઉત્પાદનની તૈયારી શરૂ કરી રહી છે કંપની સાથે કરાર થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં રસીકરણમાં વેગ લાવવાનો હેતુ છે. બે દિવસ પહેલાં જ એક કરોડ લોકોને રસી આપવાનો રેકોર્ડ બન્યો હતો.

દેશમાં 27 ઓગસ્ટે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધારે કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા હતા અને વિશ્વમાં સૌથી મોટા રસીકરણની ઝુંબેશમાં એક ઐતિહાસિક દિન રહ્યો હતો. સૌપ્રથમ રસીના જથ્થા રવાના સાથે કોવેક્સિન રસીના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌને મફત રસી’ સંકલ્પને દ્રઢતા મળશે. અંકલેશ્વરમાં કંપની 12 લાખ ડોઝના ઉત્પાદનની ક્ષમતા છે. ભારત બાયોટેક અત્યાર સુધી વેક્સીનના પાંચ અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની વિવિધ રસીની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે.

ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ વર્ષેદહાડે 12 કરોડ ડોઝ કોવેક્સિનનું ઉત્પાદન કરશે. અંકલેશ્વરમાં રસીનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટા પાયે રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ, સહકારપ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લાપ્રમુખ મારુતિસિંહ અટોદરિયા હાજર રહ્યા હતા.