મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિસની પૂછપરછ કરાઈ

નવી દિલ્હીઃ શ્રીલંકાની નાગરિક અને બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસની દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં જેક્લીનને દિલ્હી બોલાવીને પૂછપરછ કરાઈ રહી છે.

આ વર્ષના આરંભમાં, બોલીવુડની એક અન્ય અભિનેત્રી યામી ગૌતમને પણ ઈડી એજન્સી દ્વારા બોલાવવામાં આવી હતી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) અંતર્ગત કથિત ગેરરીતિઓના સંબંધમાં એનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઈડી એજન્સીના સૂત્રોના દાવા મુજબ, યામીનાં બેન્ક એકાઉન્ટમાં એક વિદેશસ્થિત કંપનીએ રૂ. એક કરોડની રકમ જમા કરી હતી. એ માટે FEMA કાયદાનું પાલન કરવામાં આવ્યું નહોતું. આગામી હિન્દી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જેક્લીન અને યામી, બંનેએ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ છે. ફિલ્મ આવતી 17 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.