ટમેટાંના ભાવ તળિયેઃ મહારાષ્ટ્રમાં તો ચાર-રૂપિયે કિલો

મુંબઈઃ ટમેટાંનું ઉત્પાદન કરતા મોટા ભાગના રાજ્યોમાં જથ્થાબંધ બજારોમાં શાકફળ ટમેટાંના ભાવમાં જબ્બર કડાકો બોલી ગયો છે. સપ્લાય મબલખ પ્રમાણમાં આવતાં ટમેટાંના ભાવ ચાર રૂપિયે કિલો સુધી નીચે ઉતરી ગયા છે, એમ સરકારે આપેલી માહિતી પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેખરેખ રખાતા 31માંના 23 ઉત્પાદન કેન્દ્રોમાં હોલસેલ ભાવ 50 ટકાથી પણ વધારે ઘટી ગયા છે.

દેશમાં ટમેટાંનું સૌથી વધારે ઉત્પાદન મધ્ય પ્રદેશમાં થાય છે. ત્યાં ટમેટાંનો ભાવ 28 ઓગસ્ટે પ્રતિ કિલો 8 રૂપિયા સુધી ઘટી ગયો હતો, જે ગયા વર્ષે આ જ સમયગાળા વખતે રૂ. 11 હતો. ટમેટાંના ઉત્પાદનમાં દેશમાં છઠ્ઠા નંબરે રહેતા મહારાષ્ટ્રના જળગાંવમાં તો આ શાકફળની કિંમતમાં 80 ટકાનો ઘટાડો થયો છે. હાલ ટમેટાં પ્રતિ કિલો 4 રૂપિયે મળે છે. ગયા વર્ષના ઓગસ્ટમાં ટમેટાંનો ભાવ 21 રૂપિયે કિલો હતો. મુંબઈમાં ટમેટાંનો હોલસેલ ભાવ રૂ. 12 પ્રતિ કિલો છે, જે ગયા મહિને 30 રૂપિયા હતો. ઉત્પાદન વધી જાય ત્યારે ભાવ ઘટી જતા હોય છે.