રાજ્યમાં ચોમાસું ફરી સક્રિયઃ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: વરસાદની આતુરતાથી રાહ જોતા ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગે જન્માષ્ટમીથી ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 ઓગસ્ટથી 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે, જ્યારે પહેલી સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાંક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા બીજી સપ્ટેમ્બરે મન મૂકીને વરસે તેવી આગાહી છે.

હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી આજથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યમા વરસાદની અછત 49 ટકા છે. જ્યારે સરેરાશ 41.8 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 51.5 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝન પૂરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે.