Oceans Day: આવો, પાંચ મહાસાગરના પેટાળમાં ડૂબકી મારીએ…

Oceans Day: પૃથ્વી પર જીવનની શરૂઆત દરિયામાંથી થઈ છે અને આજે પણ આપણું અસ્તિત્વ મહાસાગરોને આભારી છે. પૃથ્વીનો 70 ટકાથી વધુ હિસ્સો પાણીથી ઘેરાયેલો છે, જે ઓક્સિજન, ખોરાક અને ક્લાઈમેટ કંટ્રોલ જેવી અદભુત સુવિધાઓ પૂરી પાડે છે.

આ વિશાળ જળરાશિ પ્રત્યે આદર વ્યક્ત કરવા અને એના સંરક્ષણ માટે દર વર્ષે 8 જૂને સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ ઓસન્સ ડે’ એટલે કે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. પિચથી લઈને બોર્ડરૂમ સુધી જેમ મેનેજમેન્ટ જરૂરી છે, એમ જ પૃથ્વીના સંતુલન માટે આ મહાસાગરોનું મેનેજમેન્ટ પણ એટલું જ અનિવાર્ય છે.

ત્યારે જાણીએ વિશ્વના પાંચ મહાસાગર વિશેની રસપ્રદ વાતો…

ક્યારે અને કેમ ઉજવાય છે આ દિવસ (Oceans Day)

દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની સત્તાવાર શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 2008માં કરવામાં આવી હતી, જોકે એનો પ્રસ્તાવ વર્ષ 1992માં કેનેડા સરકાર દ્વારા રિયો ડી જાનેરોમાં આયોજિત પૃથ્વી સંમેલનમાં મૂકવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ માનવ જીવનમાં મહાસાગરોના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાનો છે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઓવર-ફિશિંગને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ ગઈ છે. આ દિવસ યાદ અપાવે છે કે જો દરિયાને નહીં બચે તો પૃથ્વી પર માનવજાતનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જશે.

પ્રશાંત મહાસાગર (Pacific Ocean)

આ પૃથ્વી પરનો સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે, જેનો કુલ વિસ્તાર અંદાજે 16.5 કરોડ ચોરસ કિલોમીટર (165 million sq km) છે. એ એટલો વિશાળ છે કે દુનિયાના તમામ ખંડોની જમીન ભેગી કરવામાં આવે, તો પણ એના કરતાં આ મહાસાગરનું કદ મોટું છે. પ્રશાંત મહાસાગરમાં જ દુનિયાનું સૌથી ઊંડું સ્થળ ‘મરિયાના ટ્રેન્ચ’ (Mariana Trench) આવેલું છે, જેની ઊંડાઈ અંદાજે 11 હજાર મીટર જેટલી છે. આ મહાસાગરની આસપાસ સૌથી વધુ સક્રિય જ્વાળામુખી હોવાથી એને ‘રિંગ ઓફ ફાયર’ પણ કહેવામાં આવે છે.

એટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean)

આ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર છે, જેનો વિસ્તાર અંદાજે 10.6 કરોડ ચોરસ કિલોમીટર (106 million sq km)  છે. ઉપરથી જોતા આ મહાસાગરનો આકાર અંગ્રેજી અક્ષર ‘S’ જેવો દેખાય છે. વેપાર અને વાણિજ્યની દ્રષ્ટિએ આ દુનિયાનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, જે અમેરિકા અને યુરોપ-આફ્રિકાને જોડે છે. ઉત્તરી એટલાન્ટિકનો બરમુડા ટ્રાયન્ગલ (Bermuda Triangle)નો રહસ્યમય વિસ્તાર પણ આ જ મહાસાગરનો એક ભાગ છે.

હિંદ મહાસાગર (Indian Ocean)

દુનિયાનો ત્રીજો સૌથી મોટો મહાસાગર આપણા દેશ ભારતની દક્ષિણે આવેલો હિંદ મહાસાગર છે. એનો કુલ વિસ્તાર અંદાજે 7.05 કરોડ ચોરસ કિલોમીટર (70.5 million sq km)  છે. આ વિશ્વનો એકમાત્ર એવો મહાસાગર છે જેનું નામ કોઈ દેશ (હિંદુસ્તાન)ના નામ પરથી રાખવામાં આવ્યું હોય. આ મહાસાગર આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને એનું પાણી અન્ય મહાસાગરોની સરખામણીએ થોડું વધુ ગરમ હોય છે.

દક્ષિણ મહાસાગર (Southern Ocean)

પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિકા ખંડને ચારેય બાજુથી ઘેરીને રાખતો આ મહાસાગર કદમાં ચોથા ક્રમે આવે છે, જેનો વિસ્તાર અંદાજે 2.03 કરોડ ચોરસ કિલોમીટર (20.3 million sq km) છે. વર્ષ 2000માં ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા એને સત્તાવાર અલગ મહાસાગરનો દરજ્જો અપાયો હતો. આ વિસ્તાર અત્યંત ઠંડો છે અને અહીં વર્ષભર વિશાળ કદની હિમશીલાઓ (Icebergs) તરતી જોવા મળે છે, જે વ્હેલ અને પેન્ગ્વિન જેવા જીવોનું ઘર છે.

આર્કટિક મહાસાગર (Arctic Ocean)

પૃથ્વીના ઉત્તર ધ્રુવ (North Pole)ની આસપાસ આવેલો આર્કટિક મહાસાગર વિશ્વનો સૌથી નાનો અને સૌથી છીછરો મહાસાગર છે. એનો કુલ વિસ્તાર અંદાજે 1.4 કરોડ ચોરસ કિલોમીટર (14 million sq km) છે. આ મહાસાગર વર્ષના મોટાભાગના સમય દરમિયાન બરફની જાડી ચાદરથી ઢંકાયેલો રહે છે. ધ્રુવીય રીંછ (Polar Bears) અને સીલ જેવા વિશિષ્ટ પ્રાણીઓ માટે આ મહાસાગર એકમાત્ર કુદરતી આશ્રયસ્થાન છે.

હેતલ રાવ