`મા આપણે હજુ શિવાજી મહારાજના એકેય ગઢ કિલ્લા પર ગયા નથી?’ પચીસેક વર્ષ પૂર્વે નીલે આઠ- દસ વર્ષનો હશે ત્યારે તેણે `આપણે રાયગઢ, પ્રતાપગઢ, સિંહગઢ જેવાં ઠેકાણે હજુ કેમ ગયા નથી?’ આ સાદો સરળ પ્રશ્ન પૂછ્યો હતો અને મારી પાસે ઉત્તર નહોતો. ઉત્તર આપું પણ શું?
હજારો પર્યટકોને ટુર મેનેજર તરીકે આપણો ભારત દેશ અને દુનિયા બતાવનારી હું અમારા બાળકને તે સમયે મહારાષ્ટ્ર, શિવાજી મહારાજ, ગઢ કિલ્લા અને મહારાષ્ટ્રની ઉજ્જવળ ભૂમિના અને જાજરમાન ઈતિહાસની ઓળખ કરાવી શકી નહીં. તે કસૂર ભાવના આજે પણ વચ્ચે વચ્ચે માથું ઊંચકે છે અને હું પોતાને દોષ આપતી રહું છું. સતત કામ કામ કામ… તે ક્યારે પૂરું થયું જ નહીં. પછી તે વ્યસ્તતામાં ઘણું બધું રહી ગયું અને તે વ્યસ્તતા અંત સુધી રહી. ખરેખર તો કેટલું આસાન હતું, `બેગ ભરો, નીકળી પડો’ કરીને દરેક મહિને એક એમ કર્યું હોત તો અમુક વર્ષમાં મહારાષ્ટ્ર મિશન અથવા ગડ કિલ્લા જોઈ લીધા હોત. સમયસર કૃતિ કરી હોત તો જીવનભર પશ્ચાતાપની લાગણી મહેસૂસ થઈ નહીં હોત. વારુ,આ બાબતમાં થોડું, `લોકો કહે બ્રહ્મજ્ઞાન…’એવું જ કશુંક થયું ખરું.
આવી જ એક યાદ ત્રીસેક વર્ષ પૂર્વેની છે. ટ્રાવેલમાં નવું નવું કાંઈક કરતા રહેવાની ધગશ કેળવાઈ ગઈ હતી. પર્યટનમાં સ્થિર થતી હતી અને પોતાને આ ફાવી શકે છે તેની ખુશી પણ હતી. તે જ ઉત્સાહમાં એક દિવસ ટીમને કહ્યું, `જાઓ અને પહેલાથી દસમા ધોરણના ઈતિહાસનાં અને ભૂગોળનાં પુસ્તકો લઈ આવો. જોઈએ તેમાં કયા ધોરણમાં શું-શું શીખવવામાં આવી રહ્યું છે અને તે પ્રમાણે ટુર્સની યોજના બનાવીએ. એટલે કે, ક્લાસરૂમમાં થિયરી થશે અને આપણે ટુર્સ દ્વારા પ્રેક્ટિકલનો મેળ પાડીશું.’ પુસ્તકો વાંચી કાઢ્યા, થોડો અભ્યાસ પણ કર્યો કે શું-શું કરી શકાય. સીઝન શરૂ થઈ, અર્જન્ટ ઈમ્પોર્ટન્ટ બાબતોને અગ્રતા અપાઈ અને ઈતિહાસ-ભૂગોળનો આ પ્રોજેક્ટ ક્યારે અભરાઈએ ચઢી ગયો તે મને પણ સમજાયું નહીં. દર વખતે સાફસફાઈ કરતી વખતે તે પુસ્તકોનો જથ્થો સામે આવતો, `અરે આ પ્રોજેક્ટનું કાંઈક કરવું જોઈએ’ એવું બોલાતું પણ હતું મારા દ્વારા અને ફરી તે પુસ્તકો આગામી સાફસફાઈ સુધી નજરની આડે થઈ જતાં. આવું થોડાં વર્ષ ચાલ્યા પછી એક વર્ષે હોશિયાર બનીને તે પુસ્તકો મેં રદ્દીમાં કાઢ્યા અને પોતાને કોસતી રહી, `આ શું છે? આટલો સીધોસાદો પ્રોજેક્ટ હતો, જે તમે કરી શક્યાં નહીં? શેમ ઓન યુ.’
ફાસ્ટ ફોર્વર્ડ ટુ ટુડે, ભૂતકાળમાંથી હવે વર્તમાનમાં આવું છું. ગયા મહિનામાં અમારી સોશિયલ મિડિયા માર્કેટિંગ એજન્સી `ટિલ ઈટ ક્લિક્સ’ અમારી કોર્પોરેટ ઓફિસમાં પહોંચી. `એક સ્ક્રિપ્ટ લાવ્યા છીએ.’ મેં વિચાર્યું, `અરે બાપ રે!’ ખર્ચ સામે દેખાવા લાગ્યો. `ચલો, સૂનને મેં ક્યા જાતા હૈ?’ કહીને અમે સ્ક્રિપ્ટ રીડિંગ માટે ભેગાં થયાં. તેમણે જેમ જેમ સ્ટોરી ઉજાગર કરવાનું શરૂ કર્યું, તેમ રીતસર મારાં રૂવાડાં ઊભાં થઈ ગયાં. કારણ કે મેં ઉપર જે બે બાબત લખી હતી તે જ બાબતો તેમની સ્ક્રિપ્ટમાં હતી. નાટકનો, એક્ટિંગનો શોખ ધરાવતા… જુલિયસ સીઝરનો રોલ કરીને તેની પર કોલેજ જીવનમાં વાહવાહ મેળવનાર એક પિતા રિટાયરમેન્ટ પછી પણ પોતાની એક્ટિંગની હોબી પૂરી કરે છે, માતા ખુશ છે. પુત્ર-પુત્રવધૂ યુએસએમાં સેટલ થયાં છે. તેમની વચ્ચે ફોન પર ત્રણેક મિનિટનું સંભાષણ એ જ તે ફિલ્મ. અસલ ફિલ્મ ફ્લેશબેકમાં છે. એક પિતા પોતાના નાના બાળકને શિવાજી મહારાજના કિલ્લા બતાવે છે. ઈતિહાસ ફક્ત પુસ્તકમાં નથી, ઈતિહાસ તે માટીમાં છે, પથ્થરમાં છે, ડુંગરોમાં છે, લડાઈનાં જખમોમાં છે એ તે બાળકને બતાવે છે. બાળક મોટો થાય છે, તે પિતાને કહે છે, `તમે ગડ કિલ્લા બતાવ્યા તેથી મને શિવાજી મહારાજ થોડા ઘણા સમજાયા. હવે તમને શેક્સપિયર કરવાનો છે ને, તો પછી ત્યાં જઈને જ જોઈએ. ચાલો, સ્ટ્રેટફોર્ડ અપોન એવોનમાં જઈએ, ગ્લોબ થિયેટર, જ્યાં શેક્સપિયરનાં નાટકો બતાવવામાં આવે છે તે જોઈએ. તમે મને કિલ્લા બતાવ્યા અને વિચારોથી સમૃદ્ધ બનાવ્યો. હું તમને તમારા મનગમતા શેક્સપિયર બતાવીશ, તમે ભારતમાંથી આવો, અમે ન્યૂ યોર્કમાંથી આવીશું, વચ્ચે લંડનમાં મળીશું.’ હવે આ છેલ્લી લાઈન અમારી જાહેરાતમાં આવે છે.
બધું એકદમ નક્કી થયા મુજબ તે સ્ક્રિપ્ટમાં આવીને બેઠું હતું. પચ્ચીસ ત્રીસ વર્ષ પૂર્વેનો વિચાર, આગળ કામની વ્યસ્તતા, વ્યવહારમાં અને કદાચ નંબર્સમાં રખડી પડેલા. પુસ્તકમાં જ રહેલા પ્રોજેક્ટ ફિલ્મના રૂપમાં મારી સામે ઊભો હતો. પાંચ મિનિટની આ ફિલ્મમાં એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે વહેનારા આ સંસ્કારોનો પ્રવાહ દેખાતો હતો. મેં તો મારા મનમાં ગિલ્ડ રૂપમાં રહેલી બાબત ક્યારેય કોઈની સામે બોલી નહોતી. તો પછી તેમને કઈ રીતે ખબર પડી? તેઓ તેની પર જ આધારિત ફિલ્મ કઈ રીતે લાવ્યા? ભુલાયેલી છતાં સબકોન્શિયસ માઈન્ડમાં રહેલી બાબતો આ રીતે માથું ઊચકે છે. મનની સુપ્ત ઈચ્છા યુનિવર્સ પૂર્ણ કરે છે એવું કહેવાય છે તેવું જ કાંઈક આ બન્યું હતું. આપણા ઘરના વડીલો કાયમ કહે છે, `મનમાં કાયમ સારા વિચાર રાખો. બોલતી વખતે પણ સારું બોલો, આપણા ઘરની દીવાલો સાંભળતી હોય છે અને `તથાસ્તુ’ કહે છે.’ હાલમાં તે માટે સરિયામ ઉપયોગ કરાતો શબ્દ એટલે મેનિફેસ્ટેશન છે. અને તેનો અનુભવ આપણા દરેકને ક્યારેક ને ક્યારેક આવે જ છે.
`સંસ્કારોના પ્રવાહ’ આ ફિલ્મનું નામ એવું કહીને તેમણે સ્ક્રિપ્ટ બંધ કરી અને મારા મોઢામાંથી આપમેળે શબ્દ નીકળી પડ્યા, `કરી નાખો ફિલ્મ’ અને ફિલ્મ ખરેખર બહુ સારી બનાવવામાં આવી. યુટ્યુબ ઈન્સ્ટાગ્રામ પર તે સારી રીતે ચાલી રહી છે અને દર્શકોને પણ બહુ ગમી છે એવું તેઓ પોતે જણાવી રહ્યા છે. દરેકને ગત પેઢી યાદ છે, માતા-પિતા અને તેમની મહેનત યાદ છે. આ તે ફિલ્મની મિલકત છે એવું હું કહીશ. આપ્તજનોએ આપણા માટે લીધેલી મહેનતનું ભાન હોવું, તે સંબંધી કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને કમસેકમ વર્ષમાં એક વાર તેમને માટે સમય આપવો એટલું પણ જો કરી શક્યા તો ગંગા નાહ્યા એવું કહીશ. કમસેકમ આટલું આપણે કરી શક્યા તો નથિંગ લાઈક ઈટ. આપણા જેવા ભાગ્યવાન આપણે જ.
આ ફિલ્મ આવ્યા પછી અને એક પ્રેક્ષક તરીકે તે જોયા પછી એક બાબત ખાસ જણાઈ કે આપણે બાળકોને મોટી સ્કૂલમાં દાખલ કરીએ છીએ, સારાં પુસ્તકો લાવીએ છીએ, પ્રોજેક્ટ્સ કરવા કહીએ છીએ… જોકે આ ફિલ્મમાં બતાવાય તેમ પ્રત્યક્ષ અનુભવ કરવામાં પાછળ રહીએ છીએ. આગળ ધકેલતા રહીએ છીએ. `પછી જઈશું… સમય મળશે ત્યારે કરીશું…’ એવું કહેતાં કહેતાં વર્ષ નીકળી જાય છે. સંસ્કાર એટલે ફક્ત શાબ્દિક શીખ નથી હોતી પરંતુ સંસ્કાર એટલે એકત્ર વિતાવેલો સમય. એકાદ કિલ્લા પર ઊભા રહીને ત્યાંનો ઈતિહાસ ફિલ્મ પ્રમાણે આંખોની સામે લાવવો. એકાદ બેટલફિલ્ડ પર ઊભા રહીને બાળકોને તે યુદ્ધપ્રસંગ સમજાવીને કહેવો. કેમ? શા માટે? પછી શું થયું? આ પ્રશ્નોનો તેમની સામે ઉકેલ લાવવો, એકાદ નાટકના રંગમંચ પર ટુબી? ઓર નોટ ટુ બી?… સાંભળતી વખતે અંદરથી રોમાંચિત થવું… બાળકોને આ અનુભવ આપવાનું જરૂર છે.પણ તે ઘણી વાર બનતું નથી એ હકીકત છે.મારી બાબતમાં પણ તે બન્યું છે અને મારું ગિલ્ટ વધુ વધી રહ્યું છે આ લખતી વખતે.
જોકે આ ગિલ્ટ સાથે મને વધુ એક બાબત એ જણાઈ કે અમારો વ્યવસાય એકદમ કમર્શિયલ કેટેગરીમાં આવતો હોવા છતાં અમે કુટુંબોને એકત્ર આવવા માટે એક સાધન નિર્માણ કરીએ છીએ. માતા- પિતાઓને બાળકો સાથે યાદો નિર્માણ કરવામાં મદદ કરીએ છીએ. દાદા-દાદીઓને પૌત્રોને દુનિયા બતાવવાની તક આપીએ છીએ. આ ફક્ત વ્યવહાર નથી કે ટ્રાન્ઝેકશન નથી, પરંતુ આ રિલેશનશિપ બિલ્ડિંગ છે. પર્યટકો ટુર વેચાતી લે છે, અમે આઈટિનરી આપીએ છીએ… આટલા પર આ વ્યવસાય ઊભો રહેતો નથી, પરંતુ તે વિશ્વાસ પર ઊભો રહે છે. કારણ કે પ્રવાસ હોય કે પર્યટન આ ભાવનાનો મુદ્દો છે. અન્ન, વસ્ત્ર, છત, શિક્ષણ અને આરોગ્ય આ પાંચ પ્રાથમિક જરૂરતો પછી માણસ પૈસા ખર્ચ કરે છે. પ્રવાસ પર અને પ્રવાસ યાદો માટે કરે છે. ભવિષ્ય માટે સારી-સારી યાદગીરીઓ નિર્માણ કરવી પ્રવાસમાં મહદંશે શક્ય બને છે. જુઓ ને, મિત્રો ભેગા થયા પછી આપણે વધુમાં વધુ ચર્ચા અને ગપ્પા અગાઉના અને આગોતરા પ્રવાસ-પર્યટન વિશે હોય છે. યાદો આવા સમયે વહી આવે છે અને આ યાદો એટલેજ સંસ્કારના પ્રવાહ.
અમે જ્યારે આ યાદો નિર્માણ કરવાનું `વન ઓફ ધ સાધન’ હોઈએ ત્યારે અમને જાણ હોવી જોઈએ કે દરેક કુટુંબે પ્રવાસ માટે બચત કરેલાં તેમના મહેનતના પૈસા, પ્રયાસોથી મેળવી અથવા લીધેલી રજાઓ, બાળકોની શાળાની રજાઓ સાથે સુમેળ સાધવો, દાદા- દાદીની તબિયત સંભાળીને કરેલી તૈયારીઓ… આવી અનેક બાબતો છે. તે એ કુટુંબ માટે ફક્ત એક હોલીડે નથી હોતી, પરંતુ એક સપનું હોય છે અને અમારી આખી વીણા વર્લ્ડ ટીમનો મનઃપૂર્વક પ્રયાસ હોવા જોઈએ તે સપનાને સંપૂર્ણપણે ન્યાય આપવાના, પર્યટકોને રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ પરફેક્ટ્લી આપવાના. અમારી વીણા વર્લ્ડમાં આ સંસ્કારનો પ્રવાહ સતત વહેતો રહેવો જોઈએ.
આ ફિલ્મ અથવા મેનિફેસ્ટેશન પરથી એવું લાગ્યું કે આપણને જે મનથી મહેસૂસ થાય છે, જે પ્રામાણિક હોય છે, તેમાં કોઈનું ખરાબ વિચારેલું નહીં હોય, જ્યારે હેતુ સ્વચ્છ હોય ત્યારે તે કદાચ તે ક્ષણે થશે નહીં, પરંતુ તે ક્યાંક મનના ખૂણામાં મુકામ કરીને રહે છે અને યોગ્ય સમયે કોઈક ને કોઈક રૂપમાં તે પાછું આવશે અથવા આવી રહ્યું છે, ક્યારેક સ્ક્રિપ્ટ બનીને, ક્યારેક ફિલ્મ બનીને, ક્યારેક દર્શકોની આંખોમાં આંસૂ બનીને અથવા ક્યારેક પર્યટકોના ચહેરા પરનો આનંદ બનીને. મારા માટે આ ફક્ત બ્રાન્ડ ફિલ્મ નથી, પરંતુતે મારા જીવનની અધૂરી બાબતોની સૌમ્યપૂર્ણતા છે.
ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આપણે બાળકોને શું આપી શકીએ? સંપત્તિ, સ્થિરતા, સુરક્ષિતતા, શિક્ષણ, આરોગ્ય… જોકે આ બધું તો કરવું જ પડે છે આપણા દરેકે પોતાની હેસિયત પ્રમાણે. આ ઉપરાંત આપણે સૌથી સારી બાબત જો કોઈ બાળકોને આપી શકીએ એમ હોઈએ તો તે છે `દ્રષ્ટિ.’ દુનિયા પાસે જોવાની, ઈતિહાસ સમજી લેવાની, માણસોની કથા સાંભળવાની અને તેમાંથી પોતાની દુનિયા ઘડવાની દ્રષ્ટિ. એકાદ કિલ્લો બતાવતી વખતે આપણે તેમને ફક્ત પથ્થર બતાવતા નથી, પરંતુ આપણે તેમને ધીરજ બતાવીએ છીએ. એકાદ નાટક બતાવતી વખતે આપણે ફક્ત કલાકાર બતાવતા નથી, પરંતુ આપણે વિચારોની પરંપરા બતાવીએ છીએ. પ્રવાસ એટલે ફક્ત એક ઠેકાણાથી બીજા ઠેકાણે જવું એવું નથી, પરંતુ તે દ્રષ્ટિકોણ વ્યાપક બનાવતો એક ઉત્તમ ઉપાય છે. અને એક વારમન મોટું થાય, ત્યાં સંસ્કારના પ્રવાહ વહેવાનું શરૂ થઈ જ જતું હોય છે.
સંસ્કારના પ્રવાહ આ નામમાં મને બહુ મોટું તત્ત્વજ્ઞાન દેખાય છે. પ્રવાહ ક્યારેય ધડધડ વહેતો નથી. તે શાંત હોય છે, પણ તેમાં સાતત્યતા હોય છે. સંસ્કારનું પણ આવું જ હોય છે. તે મોટા ભાષણોમાંથી આવતા નથી, પરંતુ રોજિંદી કૃતિમાંથી આવે છે. એકાદ કિલ્લાના તટ પર ઊભા રહીને `અહીં શિવાજી મહારાજ ઊભા રહ્યા હશે એવું કહેનારા પિતા, એકાદ મ્યુઝિયમમાં બાળકના હાથમાં હાથ પરોવીને ઈતિહાસ સમજાવતી માતા… એકાદ થિયેટરમાં બેસીને આ જો શેક્સપિયર અહીં જીવ્યા એવું કહેનારો બાળક…’ આ ક્ષણ એટલે સંસ્કારના પ્રવાહ હોય છે અને તે સતત વહેતા રહેવા દો. આપણે નજીક ઊભા રહેવાનું, પાણી સ્વચ્છ રાખવાનું, આગળની પેઢીને હાથ બોળવા દેવાના, બાકી પ્રવાહ પોતાનો માર્ગ શોધી જ કાઢે છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)


