૧૪,૮૦૦થી વધુ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ફ્રી વૈશ્વિક તાલીમ

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના ટેકનિકલ શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉચ્ચ – તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં ‘ગુજરાત નોલેજ સોસાયટી’ (GKS) અને અમેરિકાની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની ‘Bentley Systems’ વચ્ચે એક મહત્વપૂર્ણ બિન-વ્યાવસાયિક (Non-Commercial) વ્યૂહાત્મક ભાગીદારીના MoU કરવામાં આવ્યા છે.આ વૈશ્વિક જોડાણની સૌથી મોટી વિશેષતા એ છે કે, સરકાર પર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના રાજ્યની તમામ ૧૬ સરકારી ઈજનેરી કોલેજો અને ૩૧ સરકારી પોલિટેકનિક કોલેજોના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આશરે ૧૪,૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦થી વધુ અધ્યાપકોને અદ્યતન ટેકનોલોજીનું નિઃશુલ્ક જ્ઞાન આપવામાં આવશે.

અધ્યાપકો માટે FDP અને વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટૂલ્સની તાલીમ

આ ભાગીદારી અંતર્ગત Bentleyના વૈશ્વિક નિષ્ણાતો દ્વારા ૩૦૦થી વધુ અધ્યાપકો માટે વિશેષ ‘Faculty Development Program’ (FDP) યોજાશે. જ્યારે વિદ્યાર્થીઓને MicroStation, OpenRoads, OpenFlows, Synchro અને Digital Twin જેવા અદ્યતન ડિજિટલ એન્જિનિયરિંગ ટૂલ્સ પર પ્રેક્ટિકલ તાલીમ અપાશે. આ ઉપરાંત, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને હેકાથોન દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યનો વિકાસ કરાશે.

૬૫થી વધુ સોફ્ટવેર અને લર્નિંગ પ્લેટફોર્મની સુવિધા

વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિનામૂલ્યે ૬૫થી વધુ ‘Industry-standard’ Bentley સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે. સાથે જ ‘Bentley Learn Platform’ના માધ્યમથી સેલ્ફ-લર્નિંગ અને ડિજિટલ એજ્યુકેશનની વિશેષ સુવિધા પણ મળશે. ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને GKS અને Bentley Systems દ્વારા સંયુક્ત પ્રમાણપત્ર (ડિજિટલ બેજ અને આંતરરાષ્ટ્રીય માન્યતા) એનાયત થશે.

કેન્દ્ર સરકારના ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)’ના વિઝનને વેગ આપતી આ પહેલથી ગુજરાતના યુવા એન્જિનિયરો વધુ કુશળ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક (Industry-ready) બનશે, જેનાથી ગુજરાત ગ્લોબલ સ્તરે સ્કેલ્ડ મેનપાવરનું હબ બનશે.