મુખ્ય મંત્રી યોગીને હસ્તે સરયૂ ઘાટમાં ફ્લોટિંગ LED સ્ક્રીનનું ઉદ્ઘાટન થશે

અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સમગ્ર ભારત અને વિશ્વના હિંદુઓ આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે મૂળ વડોદરાના યુવા ગુજરાતી NRI તેમ જ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર  જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. આ સ્ક્રીન 1100 ચોરસ ફૂટની રહેશે. આ સ્ક્રીનની લંબાઈ 69 ફૂટ અને ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.આ અંગે વધુ જણાવતાં સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતાએ કહ્યું કે આ LED સ્ક્રીન કેટમરેન ડિઝાઈનની બોટ પર લગાવવામાં આવશે, જે અયોધ્યા ઘાટ પર બનાવવામાં આવી રહી છે. બોટનું નિર્માણ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બોટના નિર્માણ માટે ખાસ દક્ષિણ ભારતથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા છે.

પ્રાણપ્રતિષ્ઠા પછીના દિવસોમાં પણ આ સ્ક્રીન પરથી શ્રદ્ધાળુઓ સરયૂ ઘાટ પાસેથી રામલલ્લાના લાઇવ દર્શન કરી શકશે તેમ જ જાહેરાતો પણ આપી શકશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે ભારતના વિવિધ ખૂણેથી અનેક પ્રકારનાં મશીનો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

 

 

,