વાઇબ્રન્ટ સમિટમાં હરતાં ફરતાં…

આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અલગ દુનિયા છે. માંહી પડ્યા હશે એમણે કમસેકમ મોંઘાદાટ ભોજનનું મહાસુખ તો માણ્યું જ હશે એટલે નરેન્દ્ર મોદી-અમિત શાહ, વિદેશી વડાઓ, ઉદ્યોગપતિઓ અને મૂડીરોકાણના આંકડાઓની વાત રહેવા દો. આજે તો આપણે એ સિવાય વાઇબ્રન્ટમાં બીજુ શું જોવા મળ્યું એની વાત કરવી છે.

એકઃ યાદ રહે, વાઇબ્રન્ટ સમિટ એટલે ફક્ત એમઓયુ અને મૂડીરોકાણના આંકડાઓ જ નહીં. એ સિવાય પણ અહીં ઘણું બધું જોવા મળે. સમિટને ફરવાનું સ્થળ માનીને આવનારાઓ અહીં-તહીં ફરીને સેલ્ફી લેવાના સ્પોટ શોધતા હોય. સેમિનારોમાં સંખ્યા દેખાડવા માટે લવાયેલા લોકોને તો સમિટ શું છે એની ખબર ન પડતી હોય એટલે વરસના વચલા દહાડે પહેરવા મળેલા સૂટનો આનંદ માણતા માણતા સેમિનાર હોલની બહાર મળતા મફત ચા-કોફી-બિસ્કીટની મજા માણતા દેખાય. અમુક ઉત્સાહીજનો ગળામાં એન્ટ્રી પાસ ભરાવીને જ્યાં ત્યાં પોતાના વિઝીટિંગ કાર્ડ વેરતા જતા જોવા મળે તો અમુક લોકો જાણે સેમિનારોમાં મળતી મફત બેગ-ફાઇલ અને પેન લેવા જ આવ્યા હોય એમ એક સેમિનાર હોલથી બીજા સેમિનાર હોલ ફરીને હાથમાં બંગડીની માફક બેગની હારમાળા સર્જતા જતા દેખાય.

ઇન શોર્ટ, સેમિનારોના ગંભીર વિષયોની ગહન ચર્ચા તો કરનારા કર્યા કરવાના, બાકીના લોકો માટે તો સમિટ એટલે ખાણી-પીણી, નેટવર્કિંગ અને સોશિયલ મિડીયા માટે સેલ્ફી એટલું જ.

બેઃ વિદેશી મહેમાનો અહીં આવીને ગુજરાતની મહેમાનગતિ, ખાણી-પીણીના વખાણ કરે કે પછી નમસ્તે, કેમ છો જેવા એકાદ-બે વાક્ય ગુજરાતીમાં બોલે એ તો સમજ્યા, પણ કોઇ વિદેશી મહેમાન એવું ય મળે જે ભારતને ખરેખર દિલથી ચાહતું હોય.

વાત છે નવીદિલ્હીમાં સ્લોવેનિયાના એમ્બેસેડર માતેજા વાદેબ-ઘોષની. નામમાં જ એમના ભારતીય જોડાણનો અણસાર છે. યુરોપિયન યુનિયન-ઇયુ અને ગુજરાત વચ્ચે બિઝનેસની સંભાવનાઓ અંગેના સેમિનારમાં આવેલા આ એમ્બેસેડર બાનુ સાથે એક ડિનર મિટીંગમાં ઘણી વાતો જાણવા મળી. એ કાયદાનું ભણેલા છે. અગાઉ ભારતમાં સ્લેવેનિયાની એમ્બેસીમાં જ મિનિસ્ટર-કાઇન્સેલર તરીકે રહી ચૂક્યા છે. ડીપ્લોમેટ તરીકે એ જાપાન એમ્બેસી અને ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં કામ કરી ચૂક્યા છે. ફરીથી ભારતમાં એમ્બેસેડર તરીકે ઓગસ્ટ, 2021થી કાર્યરત એવા માતેજાબહેન પૂરી નિખાલસતાથી કહે છે કે, ભારત અને ભારતીયો એમને દિલથી ગમે છે, ખરેખર ગમે છે. એમના અવાજમાં સચ્ચાઇનો રણકાર છે.

અમે કારણ પૂછ્યું તો કહે, ‘મેં જાપાન અને અમેરિકામાં પણ કામ કર્યું છે. જાપાનીઝ પ્રમાણમાં અંતર્મુખી. ખુલીને દોસ્તી ન કરે. આત્મીયતા કેળવવાના પ્રયત્નો કરો તો ય ન કેળવી શકો. અમેરિકન લોકો તમારી સાથે વાતચીતમાં ખુલે. મળો ત્યારે અલકમલકની વાતો ય કરે, પણ જેવા છૂટા પડો એટલે તમે કોણ ને એ કોણ! એની સામે ભારતીયો પ્રેમાળ, નિખાલસ અને લાગણીશીલ. દોસ્તી કરે તો ક્યારેય ભૂલે નહીં. ઝડપથી આત્મીયતા કેળવી લે.’

એક બંગાળી-ભારતીય સજ્જનમાં એમણે પોતાના જીવનસાથીને જોયા અને એમની સાથે પરણ્યાં. વચ્ચે નવી દિલ્હીથી એમની બદલી થઇ ત્યારે પણ એમણે પોતાના દીકરાને ભણવા માટે દિલ્હીમાં જ રાખ્યો. પરણ્યા પછી ભારતીય યુવતીની માફક પોતાની અટકની સાથે પતિની અટક પણ અપનાવી.

ના, ફક્ત પતિ ભારતીય છે એટલા માટે એમને ભારત સાથે લગાવ છે એવું નથી. ગુજરાત સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં એ ફર્યા છે. અહીંની વાઇલ્ડ લાઇફ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને ખાણીપીણી એમને ગમે છે. ગુજરાતી થાળીનો ટેસ્ટ પણ કર્યો છે. એ સ્વીકારે છે કે, પોતે નોન-વેજિટેરિયન છે, પણ એના વગર ન જ ચાલે એવું નથી. જે પ્રદેશમાં જાય ત્યાંનું ફૂડ એન્જોય કરવાનો પ્રયત્ન કરે છે. એ વાતો કરે છે ત્યારે વિચારોમાં સ્પષ્ટ દેખાય છે. ડીપ્લોમેટ હોવા છતાં વાતચીતમાં ‘ડીપ્લોમેટીક’ નથી.

વાતચીતમાં માતેજા વાદેબ-ઘોષ એ પણ શીખવાડી જાય છે કે કોઇ પ્રદેશની ભાષા, ખાણીપીણીની આદત અને સંસ્કૃતિને પ્રેમ કરવા માટે અન્ય પ્રદેશની ભાષા, ખાણીપીણીની આદત કે સંસ્કૃતિને વગોવવાની જરૂર નથી.

ત્રણઃ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા તો એના સમાપનમાં છવાઇ ગયું કશ્મીર અને એના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા. ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મનોજજી એવું કહે કે, કશ્મીર પહેલીવાર વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઇને રોકાણકારોને કશ્મીરમાં મૂડીનિવેશ કરવા નિમંત્રી રહ્યું છે એ જ આ સમિટની સૌથી મોટી ઉપલબ્ધી છે ત્યારે હોલમાં તાળીઓનો ગડગડાટ ન થાય તો જ નવાઇ! પછી તો પુરુષોત્તમ રૂપાલાએ એમના કાઠિયાવાડી અંદાજમાં મનોજ સિન્હાને યાદ કર્યા અને બાકીનું કામ પુરૂ કર્યું અમિત શાહે.

મનોજ સિન્હા એમના પ્રવચનમાં કશ્મીરની બદલાતી પરિસ્થિતિ અને મૂડીરોકાણ માટેની તકો વિશે વાત કરે એ તો સ્વાભાવિક છે, પણ કશ્મીરની વકાલત કરતાં કરતાં વચ્ચે એ એક મિનીટ માટે ખચકાઇ ગયા. થયું એવું કે, કશ્મીરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી છે એવું કહેતી વખતે એ બોલી તો ગયા કે, કશ્મીરમાં ક્રાઇમ રેટ ગુજરાત કરતાં ય નીચો છે, પણ બીજી જ ક્ષણે ‘આ તો ગુજરાતમાં જ અને ગુજરાતીઓની સામે’ આવું કહેવાઇ ગયું એવો ખ્યાલ આવ્યો એટલે વાતને સહજ હસીને લઇ લીધી.

અલબત્ત, સામે બેઠલાઓએ પણ વાતને હળવાશથી જ લીધી. ધંધાની વાત આવે એટલે ગુજરાતીઓ બાકીની વાતો ગંભીરતાથી લેતા નથી.

ચારઃ વાઇબ્રન્ટ સમિટમાં પોલીસનું કામ શું? તમે કહેશો, પોલીસનું કામ ઓવરઓલ સુરક્ષા વ્યવસ્થાનું હોય, બીજું એમણે શું કરવાનું?  મહાત્મા મંદિરના ખૂણે ખૂણે ગોઠવાયેલી પોલીસ આ કામ તો કરતી જ હતી, પણ ગુજરાત પોલીસની એક ટુકડી સમિટના પ્રાંગણમાં વચ્ચોવચ્ચ પણ હતી. એમનું કામ હતું સેમિનાર હોલની ભારેખમ ચર્ચાઓથી કંટાળીને બહાર આંટાફેરા મારનારા મહેમાનોને કર્ણપ્રિય સંગીત સંભળાવવાનું.

ગુજરાત પોલીસના બ્રાસ બેન્ડની આ ટુકડી ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ થી માંડીને બહારોં ફૂલ બરસાઓ… જેવા લોકપ્રિય ફિલ્મી ગીતોની ધૂન વગાડીને મહેમાનોનું સતત મનોરંજન કરતી હતી અને વાતાવરણને ઔર ખુશનુમા બનાવતી હતી. સમિટના ડેલિગેટ્સ માટે આ પણ સેલ્ફી અને ફોટો-વિડીયોનું એક સ્પોટ હતું. સંગીત સાંભળતા સાંભળતા જ બાજુમાંથી ચા-કોફી-બિસ્કીટ લઇને લિજ્જતથી ટેસ્ટ માણવાનો. બેન્ડની ટુકડીના ઉત્સાહી જવાનો પણ મહેમાનોને જે ગીત સાંભળવું હોય એ હોંશે હોંશે સંભળાવતા હતા. વચ્ચે બ્રેક મળે ત્યારે કોર્પોટર વિશ્વની શંતરંજના પ્યાદાઓને આમથી તેમ આંટા મારતા જોયા કરતા, બિલકુલ નિર્લેપ ભાવથી.

બાકી તો શું છે કે, સમિટ જ વાઇબ્રન્ટ હતી એટલે સમાપન સમારોહમાં ગુજરાતના ગવર્નર ઉપસ્થિત ન હોવા છતાં વાઇબ્રન્સીના અતિરેકમાં (અને અગાઉથી તૈયાર કરેલી લેખિત સ્પીચના કારણે) અમુક વક્તાઓ એમનું નામ બોલ્યે જતા હતા. પણ ચાલે. મોટા મોટા માણસો નાની નાની ભૂલો કરતા જ હોય છે!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)