24 કલાકમાં 3 બાળકોને ભરખી ગયો ચાંદીપુરા વાયરસ..

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોના જીવ લીધા છે. ત્યારે આ સાથે અત્યાર સુધીનું ચાંદીપુરાથી થનારા મોતનો આંકડો 56 સુધી પહોંચી ગયો છે. જ્યારે ચાંદીપુરા વાયરસના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 131 શંકાસ્પદ કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ થયા છે. તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજકોટમાં અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 47 પોઝીટીવ કેસ

ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 47 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-ચાર, મહેસાણા-ચાર, રાજકોટ-બે, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પેોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-સાત, જામનગર-એક, મોરબી-એક, દાહોદ-બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પેરેશન, કચ્છ, સુરત કોર્પોરેશન, ભરૂચ અને પોરબંદરમાં એક-એક કેસો આવેલા છે.

સરકારી દાવા પ્રમાણે પોઝિટિવ અને શંકાસ્પદ કેસો મળ્યા છે તેની આસપાસના વિસ્તારોના 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. 5.91 લાખ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. જ્યારે 1.27 લાખ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. આ ઉપરાંત 24 હજારથી વધુ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને ચાર હજારથી વધુ શાળામાં સ્પ્રેઈંગ, 29 હજાર આંગણવાડીમાં પાવડર છંટકાવ કરાયો છે. રાજ્યમાં અત્યારે વાયરલ એન્કેફેલાઈટિસના 28 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 49 બાળ દર્દી સાજા થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.