ઉત્તર ભારતના નાળિયેર બજારમાં ગુજરાતનો દબદબો

જૂનાગઢ: દેશનું એક નવું નાળિયેર હબ તૈયાર થઈ રહ્યું છે. તે ન તો કેરળ છે, ન તામિલનાડુ અને ન પશ્ચિમ બંગાળ. એ છે ગુજરાત, જ્યાંથી લીલાં, કાચાં નાળિયેરોથી ભરેલા ટેમ્પો રોજ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જાય છે.

સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને ભાવનગરમાંથી પસાર થતો NH-51 હવે “નાળિયેર હાઈવે” બની ગયો છે- ખેતરોમાં લહેરાતાં વૃક્ષોથી લઈને ટ્રકોમાં ભરાયેલાં નાળિયેર સુધી. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં નાળિયેરની ખેતી ઝડપથી વધી છે અને ખેડૂતો કહે છે કે આ ફળે તેમને ભરપૂર લાભ કરાવ્યો છે. લીલાં, કાચાં, હળવી મીઠાશ ધરાવતાં નાળિયેર હવે આ તટીય વિસ્તારની સૌથી વધુ કમાણી કરાવી આપતો પાક બની ગયો છે.સોમનાથના ખેડૂત નારણભાઈ સોલંકી  કહે છે, અમારા માટે નાળિયેર કલ્પવૃક્ષ છે. તે અમારી જીવનરેખા બની ગયો છે.તાજેતરના સમયમાં બીજી સપ્ટેમ્બરનો વિશ્વ નાળિયેર દિવસ ગુજરાતમાં ઉત્સવ જેવો બની ગયો છે. આ વર્ષે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે 2014-15માં 22,451 હેક્ટરથી વધીને 2024-25માં 28,197 હેક્ટર સુધી નાળિયેરની ખેતી વિસ્તાર લગભગ 26 ટકા વધ્યો છે. હાલમાં ગુજરાત દર વર્ષે 260.9 મિલિયન નાળિયેર ઉત્પન્ન કરે છે, જેમાંથી લગભગ 20 ટકા કાચી અવસ્થામાં તોડવામાં આવે છે. કુલ ઉત્પાદનના દૃષ્ટિકોણે રાજ્ય દેશમાં સાતમા ક્રમે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું પૂરું પ્રભુત્વ છે — અહીં વેચાતા નાળિયેરમાં લગભગ 40 ટકા ગુજરાતમાંથી આવે છે.

આ વર્ષે નાળિયેર વિકાસ બોર્ડના માર્કેટ ડેવલપમેન્ટ ઓફિસરપદ પરથી નિવૃત્ત થયેલા એસ. જયકુમારે કહ્યું “આવનારાં વર્ષોમાં ગુજરાત દક્ષિણના રાજ્યોને ટક્કર આપી શકે છે. દેશમાં કાચા નાળિયેરની અછત છે અને ગુજરાતે આ તક ઝડપી લીધી છે.