મુંબઈઃ બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ અને સાથી કલાકાર દિશા પટની અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના બેન્ડસ્ટેન્ડ વિસ્તારના પ્રોમિનેડ પર કોરોનાવાઈરસ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘૂમતાં દેખાતાં પોલીસે એમની સામે પ્રાથમિક ફરિયાદ (FIR) નોંધી હોવાનો અહેવાલ છે. બંને કલાકાર, જે વાસ્તવિક જીવનમાં એકબીજાંનાં મિત્રો છે, તેઓ બપોરે 2 વાગ્યે વિસ્તારમાં ઘૂમતાં હતાં અને ઘરની બહાર નીકળવા માટેનું યોગ્ય કારણ બતાવી ન શકતાં પોલીસે એમની સામે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 188 હેઠળ (વહીવટીતંત્રના આદેશનું ઉલ્લંઘન કરવાની) ફરિયાદ નોંધી છે. પોલીસે એમની ધરપકડ કરી નથી, કારણ કે આ જામીનપાત્ર કલમ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના રોગચાળાનો ફેલાવો થયો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે 15 જૂન સુધી લોકડાઉન નિયંત્રણો અમલમાં મૂક્યા છે. દુકાનોને સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઈગર અને દિશા ‘બાગી 2’ અને ‘બાગી 3’ ફિલ્મોમાં સાથે ચમક્યાં હતાં. આ ઉપરાંત બંને જણ અમુક મ્યૂઝિક વિડિયોમાં પણ સાથે જોવા મળ્યાં છે. દિશા હાલમાં જ સલમાન ખાન સાથે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મમાં ચમકી હતી. એની નવી ફિલ્મ આવી રહી છેઃ ‘એક વિલન રિટર્ન્સ’.
