મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે એમનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રશંસકો તરફથી સોશિયલ મિડિયા પર એમની પર વહેલી સવારથી શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. તો બચ્ચને પ્રશંસકોને એક રિટર્ન ગિફ્ટ આપીને એમને સાનંદાશ્ચર્ય આપ્યું છે. બચ્ચને પાન મસાલા બ્રાન્ડ કમલા પસંદ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને કંપની પાસેથી લીધેલી ફી પરત કરી દીધી છે.
બચ્ચનની ઓફિસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે બચ્ચને જ્યારે આ કોન્ટ્રાક્ટ કર્યો હતો ત્યારે એમને ખબર નહોતી કે આ બ્રાન્ડ સરોગેટ એડવર્ટાઈઝિંગ અંતર્ગત આવે છે. કમલા પસંદની જાહેરખબર પ્રસારિત થયાના અમુક જ દિવસોમાં બચ્ચને બ્રાન્ડના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને આ બ્રાન્ડના પ્રચારનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો. તેમણે આ બ્રાન્ડના પ્રમોશન માટે એમને મળેલી ફીની રકમ પણ પરત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, દેશની એક તમાક-વિરોધી સંસ્થાએ અમિતાભ બચ્ચનને વિનંતી કરી હતી કે તેઓ આ બ્રાન્ડના પ્રચારમાંથી હટી જાય, કારણ કે તે પાન મસાલાને પ્રમોટ કરનારી છે. પાન મસાલા નાગરિકોના આરોગ્યને બગાડે છે. જો તમે આનો પ્રચાર કરશો તો યુવાલોકો તમાકુથી દૂર રહેવાનું બંધ કરી દેશે. બચ્ચનના ઘણા પ્રશંસકોએ પણ તેમના આ નિર્ણયની ટીકા કરી હતી. એ પણ ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પોલિયો રસીના પ્રચાર માટે સરકારી બ્રાન્ડ એમ્બેસેડર છે. તેથી એમણે પાન મસાલાની જાહેરખબરમાંથી હટી જવાનું પસંદ કર્યું છે.