દુબઈઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારીથી બચવા માટે ભારત સહિત દુનિયાભરમાં રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના રસી મૂકાવનાર પહેલી બોલીવૂડ કલાકાર બની છે. જોકે એણે ભારતમાં નહીં, પણ દુબઈમાં આ રસી મૂકાવી છે. તેણે રસી મૂકાવ્યા બાદ ઈન્જેક્શનવાળા હાથ સાથે પોતાની સેલ્ફી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘મેં વેક્સિન મૂકાવી લીધી છે અને હવે હું સુરક્ષિત છું. થેંક્યૂ યૂએઈ’. એણે એમ પણ લખ્યું છે કે તેણે રસીકરણમાં બીજો ડોઝ 21 દિવસ બાદ લેવાનો આવશે. ત્યારબાદ તેને રસી મૂકાવ્યાનો સત્તાવાર દસ્તાવેજ પણ મળી જશે. યૂએઈના શાસકોએ ફાઈઝર-બાયોએનટેક કંપનીઓની કોવિડ-19 રસીને માન્યતા આપી છે.
શિલ્પા દુબઈમાં રહે છે અને તે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકરની મોટી બહેન છે. બંને બહેને મનોરંજનની દુનિયામાં સાથે જ પ્રવેશ કર્યો હતો, પરંતુ શિલ્પા ફિલ્મોમાં અને નમ્રતા મોડેલિંગમાં વધારે ચમકી હતી. શિલ્પાએ ‘કિશન કન્હૈયા’, ‘ત્રિનેત્ર’, ‘દિલ હી તો હૈ’, ‘આંખે’, ‘પહચાન’, ‘ગોપી કિશન’, ‘મૃત્યુદંડ’, ‘હમ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એની છેલ્લી ફિલ્મ ‘ગજ ગામિની’ હતી. લગ્ન કર્યા બાદ એણે ફિલ્મોમાં કરવાનું છોડી દીધું. એક ટીવી સિરિયલ પણ એણે જોઈન કરી હતી – એક મુઠ્ઠી આસમાન. શિલ્પા ભારતીય-બ્રિટિશ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અપરેશ રણજીતને પરણી છે. એમને એક પુત્રી છે – અનુષ્કા.