‘જુમાંજી 4’ માટે ડ્વેન જોન્સને રૂ.555 કરોડ માગ્યા

લોસ એન્જેલીસઃ ‘જુમાંજી’ સિરીઝ હોલીવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફ્રેન્ચાઈઝીઓમાંની એક તરીકે ગણાય છે. ‘જુમાંજી’ ફિલ્મ 1995માં (રોબિન વિલિયમ્સ) રિલીઝ થઈ હતી. ત્યારબાદ ડ્વેન જોન્સન અભિનીત ‘જુમાંજીઃ વેલકમ ટૂ ધ જંગલ’ (2017) અને ‘જુમાંજીઃ ધ નેક્સ્ટ લેવલ’ (2019) ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જ્વલંત સફળતા હાંસલ કરી હતી. ‘ધ નેક્સ્ટ લેવલ’ ફિલ્મે દુનિયાભરમાં 79 કરોડ 70 લાખ ડોલરની કમાણી કરી હતી. હવે દર્શકો-ચાહકો ‘જુમાંજી’ની ચોથી આવૃત્તિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ પણ ‘જુમાંજી 4’ બનાવવાની તૈયારીમાં લાગી પડ્યા છે. કહેવાય છે કે, ‘જુમાંજી 4’માં ડો. સ્મોલડર બ્રેવસ્ટોનનું પાત્ર ભજવવા માટે જોન્સને મોટી રકમની ફી માગી છે.

‘એવેન્જર્સઃ એન્ડગેમ’માં કામ કરવા માટે રોબર્ટ ડાઉની જૂનિયરે મેળવેલી 7 કરોડ 50 લાખ ડોલર (રૂ. 550 કરોડ)ની ફી કરતાંય વધારે રકમ ‘જુમાંજી 4’ના મુખ્ય પાત્ર માટે ડ્વેન જોન્સન માગી રહ્યા છે. એ 555 કરોડ રૂપિયા ફી માગે છે. એમણે ‘જુમાંજી’ના પાછલા બંને ભાગમાં કામ કરીને કુલ બે કરોડ 35 લાખ ડોલરની ફી લીધી હતી. હવે ત્રીજી વાર અને ચોથી આવૃત્તિમાં કામ કરવા માટે એ ત્રણ ગણાથી પણ વધારે પૈસા માગે છે. ‘જુમાંજી’ની ત્રીજી ફિલ્મે બોક્સ ઓફિસ પર 80 કરોડ ડોલર જેટલી કમાણી કરી હતી.