શેરોમાં નફારૂપી વેચવાલીઃ BSE સેન્સેક્સમાં 890 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ શેરબજારોમાં છેલ્લા સાત દિવસોથી ચાલી રહેલી તેજીને બ્રેક લાગી છે. નબળા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભારે નફારૂપી વેચવાલી તેમ જ ઇન્ફોસિસ સહિત કેટલીક મોટી કંપનીઓનાં જૂમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો પ્રતિકૂળ આવતાં સેન્સેક્સ 890 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 250 પોઇન્ટ તૂટ્યો હતો. ઇન્ફોસિસની આગેવાનીમાં IT અને ટેક શેરોમાં ધૂમ વેચવાલી હતી. IT ઇન્ડેક્સ પણ ચાર ટકા તૂટ્યો હતો. રોકાણકારોના આશરે રૂ. 1.61 લાખ કરોડ ડૂબ્યા હતા.

BSE સેન્સેક્સ 887.64 પોઇન્ટ તૂટીને 66,684.26ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 234.15 તૂટીને 19,745ના મથાળે બંધ રહ્યો હતો. બજારમાં FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મિડિયા, રિયલ્ટી સહિત કેટલાંક સેક્ટરમાં ભારે નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું. બજારમાં ઇન્ફોસિસના શેરો પ્રારંભમાં જ આઠ ટકા તૂટ્યા હતા. જેથી ઇન્ફોસિસની આગેવાની અન્ય શેરો પણ ઘટીને બંધ રહ્યા હતા. બનારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

રોકાણકારોના રૂ. 1.61 લાખ કરોડ સ્વાહા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 302.43 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 302.04 લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. 1.61 લાખ કરોડનો ઘટાડો થયો હતો. એક્સચેન્જ પર કુલ 3514 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1636 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1754 શેરો ઘટીને બંધ રહ્યા હતા. આ સિવાય 155 શેરોમાં અપર સરકિટ લાગી હતી અને 78 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી, જ્યારે 124 શેરો સ્થિર રહ્યા હતા.