BSE સેન્સેક્સ 941 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી બેન્ક નવા રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ICICI બેન્ક, SBI, HDFC બેન્ક અને RILની આગેવાની હેઠળ બેન્ક શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક નવા રેકોર્ડ પર બંધ થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ પણ નવા શિખરે બંધ થયો હતો. બેન્કિંગ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં તેજી થઈ હતી. IT અને ઓટો શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોની સંપત્તિમાં કુલ 2.40 લાખ કરોડનો વધારો થયો હતો.

નિફ્ટી બેન્ક બે મહિનાની સૌથી મોટી તેજી સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 1223 પોઇન્ટની તેજી સાથે 49,424ના સ્તરે બંધ થયો હતો. BSE સેન્સેક્સ 941 પોઇન્ટની તેજી સાથે 74,621ના સ્તરે અને નિફ્ટી 223 પોઇન્ટની તેજી સાથે 22643ના સ્તરે બંધ થયો હતો.

ICICI બેન્કનાં પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોને પગલે બેન્કિંગ શેરોમાં આગઝરતી તેજી થઈ હતી. ICICI બેન્કમાં ચાર ટકાની તેજી થઈ હતી. બેન્કનું માર્કેટ કેપ રૂ. 8.14 લાખ કરોડથી વધુ થયું હતું. અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ જ રૂ. આઠ લાખ કરોડના માર્કેટ કેપને પાર કરી શક્યા છે. રિલાયન્સ હાલમાં આશરે રૂ. 20 લાખ કરોડના માર્કેટ કેપ સાથે દેશની મૂલ્યવાન કંપની છે.

આ સાથે બોન્ડ બજારમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. 10 વર્ષના સરકારી બોન્ડનું યિલ્ડ ઇન્ટ્રા-ડેમાં 7.176 ટકાના નીચલા સ્તરે આવી ગયું હતું, જે ગયા શુક્રવારે 7.199 ટકાથી ઓછું છે. બોન્ડ યિલ્ડથી ઇક્વિટી બજારમાં પ્રોત્સાહક તેજીના સંકેત મળે છે. બીજી બાજુ, અમેરિકી ફુગાવાના આંકડા પણ ધારણા અનુસાર રહ્યા હતા. વળી, ડાઉ જોન્સ અને નેસ્ડેક શુક્રવારે તેજી સાથે બંધ થયા હતા.